Gujarat: મોરબી પુલ દુર્ઘટના બાદ સરકાર જાગી, જાણો શું લીધો નિર્ણય
Gujarati News: રાજ્યમાં પુલોના ઇન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે. ક્ષતિગ્રસ્ત અને વધુ રિપેરીંગ માંગી લે તેવા પુલ બંધ કરવા નિર્ણય લેવાયો છે.
Gujarati News: મોરબી ઝૂલતા પુલ તૂટવાની ઘટના બાદ કોર્ટે આપેલા નિર્દેશોના પાલનમાં રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. રાજ્યમાં પુલોના ઇન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે. ક્ષતિગ્રસ્ત અને વધુ રિપેરીંગ માંગી લે તેવા પુલ બંધ કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રિપેરીંગની જરૂરિયાત હોય તેવા પુલોના રિપેરીંગ તાત્કાલિક કરવા નિર્દેશ અપાયા છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. મોરબી નગરપાલિકા ને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.
મોરબી પુલની ખાસિયત
એક સદી જૂનો આ પુલ મોરબીના રાજશાહી વખતની યાદ અપાવતો હતો અને એ વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેકનૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ કરાવ્યું હતું. આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.
આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.
1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે રહો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
મોરબી જિલ્લાની વેબસાઇટ અનુસાર ઝૂલતો પુલ મોરબીના રાજવીની 'પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ'ને પ્રદર્શિત કરતો હતો.