(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત
જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસના સુકાની બનાવાયા છે. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની અંતે જાહેરાત કરવામાં આવી છે. જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસના સુકાની બનાવાયા છે. જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે.
પૂર્વ સાંસદ (@jagdishthakormp) શ્રી જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન pic.twitter.com/O0rxYel1eh
— Gujarat Congress (@INCGujarat) December 3, 2021
ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સળંગ બે વાર જીતેલા ઠાકોર 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.
ગઈ કાલે દીપક બાબરિયાનું નામ સામે આવતા અનેક નેતાઓમાં ચહલ-પલ મચી ગઈ હતી. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનવા માટેની જે શરત રાખી છે, તે પછી મોટા ભાગના નેતાઓ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.
વાત એવી છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે રાહુલ ગાંધીએ આદેશ આપ્યો છે કે, જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહિ લડી શકે. રાહુલ ગાંધીના આદેશથી મોટા ભાગના લોકો પ્રમુખની રેશમાંથી નીકળી ગયા છે પ્રમુખ બનવા માગતા મોટાભા ગના લોકોને આગામી ચૂંટણી લડવી છે. બીજી તરફ દીપક બાબરીયાએ ચૂંટણી લડવાની ના પાડી છે . જગદીશ ઠાકોર હાલ દિલ્હી પહોંચ્યા છે. ઠાકોર આજે કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે, ભરતસિંહ સોલંકી દિલ્હીથી આજે સવારે પરત ફર્યા છે. દીપક બાબરીયાનું નામ સામે આવતા અનેક નેતાઓમાં ચહલ પહલ મચી ગઈ છે.
નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના નવા સુકાની બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. રાજકિય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાના નામને લઇને પણ પાર્ટીમાં મંથન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મોટી સ્પષ્ટતા કરી છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં નથી. હું હાલ જે પદ પર છું ખુશ છું. પ્રભારી ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે”