Gujarat Election: કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને વિવાદ વધતા દિલ્હીથી 26 લોકોની ટીમ આવી ગુજરાત
Gujarat Election: ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આપ દરેક પાર્ટીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી પહોંચ્યો છે.
Gujarat Assembly Election 2022: ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેક પાર્ટીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાંડ પાસે પહોંચ્યો છે. વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા હાઈ હાઈકમાડે દિલ્હીથી ટીમ મોકલી છે.
કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ જવાબદરી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના 4 સહ પ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ માટે દિલ્હીથી ટીમ આવી છે. શુક્રવારે વિપક્ષ નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઇને પણ અંદરો અંદર વિખવાદ થયો છે. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ છે.
કૉંગ્રેસની 9 ઉમેદવારની વધુ એક યાદી જાહેર
ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરીયા, તાલાળા બેઠક પરથી માનસિંહ ડોડિયા, કોડિનાર બેઠક પરથી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઈસ્ટ બેઠક પરથી બળદેવ સોલંકી, બોટાદ બેઠક પરથી રમેશ મેર, જંબુસર બેઠક પરથી સંજય સોલંકી, ભરુચ બેઠક પરથી જયકાંત પટેલ અને ધરમપુર બેઠક પરથી કિશન પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હવે 9 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ103 ઉમેદવારો જાહેર કરાયા છે.
વિવાદ થતા કઈ બેઠક પર ઉમેદવાર બદલવાની કોંગ્રેસને ફરજ પડી
નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે અપશુકનિયાળ સાબિત થઈ રહી છે. ઉમેદવાર જાહેર કર્યા પછી વિરોધના પગલે ઉમેદવાર બદલવાની જરૂર પડી અને હવે આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રમુખે રાજીનામું આપી દેતા ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં મુઝવણમાં મુકાઈ છે. ગણદેવી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ ઉર્ફે અશોક કરાટેએ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા પાર્ટીએ શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું.
વિધાનસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગણદેવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગણદેવી વિધાનસભા વિસ્તારમાંથી 1996થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા એવા અશ્વિન નાયકાએ પાર્ટીએ એમને આપેલા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.