(Source: ECI/ABP News/ABP Majha)
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાર્દિક સામેના 2 સહીત પાટીદાર અનામત આંદોલનના 10 કેસો પરત ખેંચાશે
15 એપ્રિલે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
AHMEDABAD : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસો પરત ખેંચશે. 15 એપ્રિલે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
10 ક્યાં કેસો પાછા ખેંચાશે
મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન સમયના આ 10 કેસોમાં હાર્દિક પટેલ સામેના 2 કેસ, કૃષ્ણનગરના 2 કેસ, નરોડા,રામોલ,બાપુનગર,ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ રેલ્વે,સાબરમતી,નવરંગપુરા, શહેર કોટડાના એક એક કેસનો સમાવેશ થાય છે.
રાજદ્રોહ સિવાયના તમામ કેસો પરત ખેંચાશે
ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે.
સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ : અલ્પેશ કથીરિયા
આ અંગે નિવેદન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તેમજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગુજરાત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ, પણ તમામ કેસો પરત ખેંચાશે ત્યારે પૂર્ણ સંતોષ થશે.
ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈએ નિર્ણયને આવકાર્યો
આ અંગે ઉમિયાધામ, સીદસરના પ્રમુખ જેરામભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા અંગે અનેક પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી. આ કેસો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અંગત રસ લીધો છે, માટે આ બાબતનો શ્રેય ભુપેન્દ્રભાઈ અને તેમની ટીમને જાય છે.
ઉમિયાધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી : જેરામભાઈ
આ તબક્કે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમિયાધામ, સીદસરના પ્રમુખ જેરામભાઈ પટેલે એ પણ સ્પષ્ટતા કરી કે ઉમિયાધા સીદસર અને ખોડલધામ કાગવડ વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે ખોડલધામમાં નરેશભાઈ ઉમિયામાંની મૂર્તિ મુકવા તૈયાર છે અને ઉમિયાધામમાં ખોડલમાંની મૂર્તિ મુકવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે વાતચીત શરૂ છે.