Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો,100 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 79 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 16 થી 24 ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે 27 ઓગસ્ટથી વરસાદનો નવો તબક્કો શરૂ થશે. આ રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમની અસરને કારણે આવશે. આ વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં વધારે રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટાં જ જોવા મળશે. 1 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, જેના કારણે આગામી સમયમાં વરસાદનો માહોલ જળવાઈ રહેશે.





















