(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ATSએ જેની સામે રાજદ્રોહનો કેસ નોંધેલો એ બબીતાને હાઈકોર્ટે આપ્યા જામીન, જાણો શું કરી ટીપ્પણી ?
જામીન અરજીના વિરોધમાં રાજ્ય સરકારે રજૂઆત હતી કે આરોપી અને તેના સાથીદારો સામે ઝારખંડમાં હત્યા, અપહરણ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ, દુષ્કર્મ અને દેશ સામે યુદ્ધ છેડવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
અમદાવાદઃ ઝારખંડની એક્ટિવિસ્ટ બબીતા કશ્યપની જામીન અરજી હાઈકોર્ટે મંજૂરી કરી છે. બબીતા સામે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં નક્સલી પ્રવૃત્તી અને પત્થલગડી આંદોલનનો આરોપ લાગ્યો હતો. જોકે, કોર્ટે આરોપી અરજદારની ગુજરાતમાં હાજરી દરમિયાન કોઈ શાંતિભંગ થયો હોય તેવું લાગ રહ્યું ન હોવાથી 20 હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરી હતી.
અરજદાર તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે વિરોધ દર્શાવતી ફેસબુક પોસ્ટ અને સરકારની ટીકાના કારણે તેના પર દેશદ્રોહનો ગુનો દાખલ ન કરી શકાય. આદિવાસી વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિ બદલ ગત વર્ષે એ.ટી.એસ. દ્વારા બબીતા કશ્યપની ધરપકડ કરાઇ હતી.
જામીન અરજીના વિરોધમાં રાજ્ય સરકારે રજૂઆત હતી કે આરોપી અને તેના સાથીદારો સામે ઝારખંડમાં હત્યા, અપહરણ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ, દુષ્કર્મ અને દેશ સામે યુદ્ધ છેડવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાતમાં આરોપીઓ કેવડિયા, દાહોદ, છોટા ઉદેપુર અને વ્યારાના આદિવાસી વિસ્તારના આદિવાસી લોકોને બંધારણની જોગવાઇઓની ખોટી સમજણ આપી હતી. તેમજ પત્થલગડી આંદોલન માટે દુષ્પ્રેરણ આપ્યું હતું. આ આંદોલનમાં દેશના કોઇ કાયદાને માન્ય રખાતા નથી અને આદિવાસીઓ ગ્રામસભાને જ સર્વોચ્ચ ગણે છે.
બીજી તરફ બબીતા કશ્યપ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આદિવાસી સમુદાયને બંધારણ પ્રમાણે મળનારા હકોનું અમલીકરણ ન થતા સરકારની ટીકા કરવા બદલ અને વિરોધ દર્શાવતી ફેસબુક પોસ્ટને આધાર બનાવી તેના પર રાજદ્રોહ, સરકાર સામે યુદ્ધ છેડવાનું કાવતરું રચવા સહિતની કલમો નોંધવી યોગ્ય નથી.
અરજદાર સામે ઝારખંડમાં પત્થલગડી આંદોલન સંબંધિત જેટલાં કેસ નોંધાયા છે તે ઝારખંડ સરકાર દ્વારા પરત ખેંચાયા છે. ઉપરાંત તેણે ષડયંત્ર રચ્યું હોવાના કોઇ પુરાવા પણ તપાસ અધિકારીઓ પાસે નથી. બન્ને પક્ષોની રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે નોંધ્યું છે કે આરોપી અરજદાર ૨૪-૭-૨૦૨૦થી જેલમાં છે તેમજ તેની ગુજરાતમાં હાજરી દરમિયાન કોઇ શાંતિભંગ થયો હોય તેવું લગી રહ્યું નથી. તેથી વીસ હજાર રૂપિયાના બોન્ડ પર અરજદારની જામીન અરજી મંજૂર કરવામાં આવે છે.