Gujarat Rain Forecast: માવઠાની આગાહી દરમિયાન અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારમાં ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું છે. અમદાવાદમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે.

Weather Update: હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણમાં પલટાની શકયતા વ્યકત કરતા આગામી 7 દિવસ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી વરસાદે દસક દીધી છે. અમદાવાદમાં પણ આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું,. વાદળા વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી હતી. તાપમાનનો પારો 42ને પાર પહોંચી ગયો હતો. આ અગનવર્ષાની સ્થિતિની વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. સવારમાં ઠંડા પવન સાથે વાદળો છવાઇ જતાં અમદાવાદમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ પણ તેજ રહેવાનું અનુમાન છે. આગામી સાત દિવસ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાવની સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં સવારથી જ વરસાદે દસ્તક દીધી હતી.
અમદાવાદમાં સાયસન્સ સિટી, શીલજ,ગોતા,થલતેજ, પકવાન, ઈસ્કોન બ્રિજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કાળા ડિંબાગ વાદળોની વચ્ચે વરસાદ આવતા વિઝિબિલિટી ડાઉન થઇ હતી જેના કારણે વાહન ચાલકો મુશ્કેલી પડી હતી. અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું.
આજે અનેક જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આજે સવારથી જ અમદાવાદ સહિત , પાલનપુરની આસાપસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. અંબાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. અંબાજી અને દાંતામાં વરસાદને કારણે મકાઈના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.
પાલનપુર અને વડગામ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અહી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે. બનાસકાંઠાના ધાનેરાના સહિત અલગ-અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બાપલા, વાછોલ અને કુંડી સહિતના ગામમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. દાંતીવાડામાં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ડીસા, અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદથી વીજળી ગૂલ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક કલાક વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પણ પ્રભાવિત થયા હતા. પાંથાવાડા અને આસપાસના વિસ્તારમાં 1 કલાક ચોમાસા જેવો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાજરી, જુવાર, મગફળીના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે. ખાસ કરીને કેસરી કેરીના પાક હાલ તૈયાર થઇ ચૂક્યો છે. આ સમયે જ કમોસમી વરસાદની આગાહીએ કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધારે છે.





















