Gujarat Weather: રાજ્યમાં ગરમીની ધીમે ધીમે થઈ રહી છે શરૂઆત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather Update: ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નોર્મલ થતા ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું.
Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં ઉતાર ચડાવ રહેશે. આગામી પાંચ દિવસ ક્યાંક 1 થી 2 ડીગ્રી તાપમાન ઘટશે તો ક્યાંક તાપમાન વધશે. સવારે ઠંડી જ્યારે બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નોર્મલ થતા ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. નલિયામાં 11 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું. જ્યારે રાજ્યમાં દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું.
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ
રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.
અમદાવાદમાં આણંદના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ગાડી સાથે ખાડામાં ખાબક્યા
અમદાવાદ શહેરમાં બારેય મહિના રસ્તા ખોદવાનું કામ ચાલુ હોય છે. જેને લઈને નાગરિકોએ અકસ્માત અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શહેરના CTM વિસ્તારમાં BRTS બસ સ્ટોપ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ બ્લોક થવાથી ઊંડો અને પહોળો ખાડો ખોદીને કામ કરવામા આવી રહ્યું હતું. જેની આસપાસ પતરાની આડસ ઉભી કરવામાં આવી હતી. પરંતુ તેની પર યોગ્ય રીતે રીફલેકટિવ સ્ટીકર કે ભયની સૂચના આપતું બોર્ડ મુકવામાં આવ્યું નહોતું. આથી વહેલી સવારે 05.30 કલાકની આસપાસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એરપોર્ટથી આણંદ તરફ જતા આણંદના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અરવિંદ શેખ તથા સંજય લીંબાચીયા ગાડી સાથે ખાડામાં ખાબકયા હતા. અડધો કલાક સુધી ગાડી ખાડામાં ગરકાવ રહી હતી. કાર ખાડામાં ખાબકતા તેની એરબેગ ખુલી ગઈ હતી. જ્યારે કારમાં સવાર બે લોકોને સામાન્ય ઇજા થઇ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દોઢ મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. જેનાથી ટ્રાફિક પણ જામ થાય છે. આ ઘટના બાદ કોર્પોરેશને ખાડાને સંપુર્ણ રીતે બેરીકેડથી કવર કર્યો હતો. ખાડામાં પડેલી ગાડીને ક્રેઇન દ્વારા બહાર કઢાઈ હતી. ઈજાગ્રસ્ત લોકો અમદાવાદ એરપોર્ટથી આણંદ જવા નીકળ્યા હતા. વહેલી સવારે અંધારું હોવાથી અને ખાડા તરફ રોડ પર બેરીકેડ ન હોવાથી ગાડી ખાડામાં ખાબકી હતી. ઘટનાનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અને AMC ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.