હાર્દિક પટેલે પત્ર લખી ગુજરાત સરકારના આડકતરા કર્યા વખાણ, જાણો શું કહ્યું
Hardik Patel letter : એક બાજું ગુજરાતમાં ડ્રગ્સ પકડાવા મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરે છે, તો બીજી બાજું ગુજરાત કોંગ્રેસના જ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત સરકારના વખાણ કરે છે.
AHMEDABAD : ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.ગુજરાતમાં પકડતા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના નેતાઓના વિરોધાભાષી નિવેદનો સામે આવ્યા છે.
એક બાજું ગુજરાતમાં ડ્રગ્સ પકડાવા મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરે છે, તો બીજી બાજું ગુજરાત કોંગ્રેસના જ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત સરકારના વખાણ કરે છે.
કોંગ્રેસના નેતાઓના આક્ષેપ છે કે ભાજપ સરકાર યુવાનોને નશાના રવાડે ચડાવે છે, તો હાર્દિક કહે છે કે, પોલીસ યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવે છે.
હાર્દિક પટેલ પહેલા ભાજપના વખાણ કરી ચૂક્યા છે હવે ગુજરાતના અધિકારીઓના વખાણ કર્યા છે. નોંધનીય વાત એ છે કે હાર્દિક પટેલે યુવાનો માટે લખેલા જાહેર પત્રમાં કોગ્રેસનો ઉલ્લેખ જ નથી. આ પત્ર કોંગ્રેસના લેટરપેડ પર પણ નથી લખ્યો અને ક્યાંય પોતાના હોદ્દાનો પણ ઉલ્લેખ નથી કર્યો. કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના બગાવતી સૂર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
હાર્દિક પટેલનો પત્ર
"તાજેતરમાં, એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જમીન અને દરિયાઈ સરહદો પર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. હું આપણા અધિકારીઓની પ્રશંસા કરું છું જેમણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ પદાર્થો દેશમાં પ્રવેશે નહીં અને આપણા યુવાનોના ભવિષ્યને બગાડે નહીં.
આપણા યુવાનો પંજાબના યુવાનોની જેમ ખતમ ન થાય તે માટે સમાજે પણ જવાબદારી લેવી જોઈએ. જ્યારે હું ચૂંટણી માટે પંજાબમાં હતો ત્યારે મેં જોયું કે કેવી રીતે ડ્રગ્સે આખા પરિવારને બરબાદ કરી દીધો છે.
ભારતના 'યુવા ધન'ને જન ચળવળ દ્વારા સાચવવામાં આવવું જોઈએ જેમાં યુવાવસ્થાથી જ યુવાનો માટે જાગૃતિ અને શિક્ષણનો સમાવેશ થાય, તો જ આપણે આપણું ‘સપનાનું ભારત’ બનાવી શકીશું."