Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી છ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.

અમદાવાદ: હવામાન વિભાગે આગામી છ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રીય
એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં પણ સર્જાઇ રહ્યું છે. જેની અસર 23 જુલાઇ બાદ જોવા મળશે. હવામાન વિભાગે 23 જુલાઇ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શકયતાને નકારી છે. આ દિવસોમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. જો કે 24 જુલાઇ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં 24 જુલાઇ બાદ ફરી એક સાર્વત્રિક સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. ગુજરાતમાં 28મી જુલાઈ સુધી આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. 25થી 28મી જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતી એક સિસ્ટમ તથા મોન્સૂન ટ્રફને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે હવામાનની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 28મી જુલાઈ સુધી આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 25થી 28મી જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.





















