AAPના ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું હતું કે જેના કારણે બ્રાહ્મણો ભડક્યા છે ? સત્સંગ-કથામાં હાજરી આપનારને કોની સાથે સરખાવેલા ?
ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. જોકે, આ પછી ગોપાલ ઇટાલિયાએ બ્રહ્મ સમાજની માફી પણ માંગી હતી. ત્યારે આવો જાણીએ શું છે આ વાયરલ વીડિયનો વિવાદ.
અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો સોમનાથમાં વિરોધ થયો હતો. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. જોકે, આ પછી ગોપાલ ઇટાલિયાએ બ્રહ્મ સમાજની માફી પણ માંગી હતી. ત્યારે આવો જાણીએ શું છે આ વાયરલ વીડિયનો વિવાદ.
આ વાયરલ થયેલા વીડિયોમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે, “મારે જે કહેવું છે તે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણ કે મને તમારી જરૂર નથી. આ ઉપરાંત સત્ય નારાયણ કથા અને ભાગવત કથાને લઈને પણ ઈટાલિયાએ સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, કથાઓ જેવી અવૈજ્ઞાનિક અને વ્યર્થ વસ્તુઓ પર લોકો પૈસા અને સમયનો વ્યય કરે છે. આ કર્યા પછી પણ લોકો જાણતા નથી કે આ કરીને તેમને શું મળ્યું. તેઓ અન્યનો સમય પણ બગાડે છે. આવી નકામી ચીજો ઉપર જો આપણે પૈસા પણ ખર્ચ કરીએ તો આપણને મનુષ્યની જેમ જીવવાનો પણ અધિકાર નથી. ગોપાલ ઈટાલિયાએ હિન્દુ માન્યતાઓનું અપમાન કરતા કહ્યું હતું. સત્સંગ અને કથામાં હાજરી આપનારા લોકોને કિન્નર સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે, મને આવા લોકોની શરમ આવે છે.
આપના નેતાઓ પર હુમલા મુદ્દે કેજરીવાલે રૂપાણીને કર્યો ફોન, જાણો શું કહ્યું?
ગાંધીનગરઃ ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો.
આ હુમલા મુદ્દે આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કર્યો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલે ખૂદ ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, મેં તેમણે દોષિતો સામે ફરિયાદ નોંધી પગલા લેવા કહ્યું છે તેમજ આપના નેતાઓ અને કાર્યકરોને રક્ષણ આપવા ભલામણ કરી છે.
જૂનાગઢના વિસાવદર તાલુકાનું લેરિયા ગામ કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, મહેશ સવાણી સહિતના નેતાઓના કાફલા પર હિચકારા હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી પડી હતી.
આ ઘટનામાં હવે પોલીસ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. આપના આગેવાન અને હુમલામાં ઘવાયેલા હરેશ સાવલિયાએ યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત 40થી 50 લોકોના ટોળા સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.
તો સામાપક્ષે પણ પાંચથી સાત લોકો વિસાવદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા અને તેને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ સહિતના ટોળા સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે આપના કાર્યકરો અને નેતાઓએ કોઈ પણ લોકો પર હુમલો કર્યો નથી. આપના આગેવાનો તો હુમલાનો ભોગ બન્યા છે. જોકે તેમ છતા સામી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે તો એનો પ્રતિકાર આપવા અમે તૈયાર છીએ.
નોંધનીય છે કે ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાત્રીના વિસાવદર પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. ફરિયાદ નોંધવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો રાત્રીના પોલીસ સ્ટેશનમાં જ જમીન પર સૂઈ ગયા હતાં. આપના નેતાઓએ જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો દિલ્લીના મુખ્યમંત્રી પણ વિસાવદર પોલીસ મથકે આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી અને સવારના સમયે ફરિયાદ લેવા તૈયાર થઈ હતી.
નોંધનીય છે કે, જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો. હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો કર્યો હતો. આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.