Ahmedabad: વધુ કમીશનની લાલચ આપી કંપનીમાં રોકાણ કરાવતા, પોલીસે 2 લોકોની ધરપકડ કરી
સુરત બાદ આ કંપની વિરુદ્ધ અમદાવાદમાં પણ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાં લોકોની બચત મૂડીને રોકાણની આકર્ષક વાતોની જાળમાં ફસાવવાના કારસા ચાલી રહ્યા છે.
અમદાવાદ: અમદાવાદમાં વધુ કમીશન આપવાની લાલચે લાખો રૂપિયાનું નુકશાન કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પ્રફુલભાઇ ચુનીલાલ ઠાકરની ફરિયાદની તપાસ કરતા IAMEG TOURS PVT LTD તથા EVERGROW INVESTOR તથા IAM TOURS અને INCOM ARRNGERS MARKET કંપનીના એમ.ડી હિરેન રાવજીભાઇ જોગાણી અને કેતનકુમાર ધનજીભાઇ સોલંકી તથા આણંદના ફાયનાન્સ મેનેજર દિપક ચંદ્રકાંત શાહ અને પબ્લીક રીલેશન ઓફીસર ચાંદની ઉદયકુમાર તથા અમદાવાદમા રહેતા નેશનલ હેડ જીગર નિમાવત, તેમજ અમદાવાદના આસીસ્ટન્ટ મેનેજર હર્ષ ઇન્દ્રવદન સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા છેતરપિંડી આચરનારા આરોપીઓની ધરપકડ કરી છે. સુરત બાદ આ કંપની વિરુદ્ધ અમદાવાદમાં પણ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાં લોકોની બચત મૂડીને રોકાણની આકર્ષક વાતોની જાળમાં ફસાવવાના કારસા ચાલી રહ્યા છે.
નવરંગપુરા આશ્રમ રોડ રીઝર્વ બેન્ક પાસે સાકાર 9 ઓફીસ નં-606 ખાતે કંપની બનાવી આર્થિક ફાયદો મેળવવા ગુનાહીત કાવતરુ રચી તેને અમલમાં મુકી હતી. જેમાં બધા આરોપીએ ભેગા મળી ડીસેમ્બર-2020 થી આજદીન સુધીમાં મલ્ટીલેવલ માર્કેટીંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીમાં રોકાણ કરાવી રોકાણ સામે 4% કમિશન ચુકવવાનું જણાવી ઓછામાં ઓછા રૂ.10,500/- નુ રોકાણ કરાવી જેમાં રૂ.500/- સર્વીસ ચાર્જ કાપી એક યુનિટ એલોટ કરી તેના બદલે એક આઈ.ડી જનરેટ કરાવી આઇ.ડી. જનરેટ થયા બાદ તેના નીચે જેટલા રોકાણકારોને રોકાણ કરાવે તે મુજબ કમિશન આપવાનું જણાવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેમાં આ કેસમાં ફરિયાદી પાસે અને તેઓના સગા સબંધીઓની રૂ.57,01,000 નુ રોકાણ કરાવ્યું હતુ. આ બાબતે આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ લોકો ડિસેમ્બર 2020 થી આજ સુધી મલ્ટીલેવલ માર્કેટીંગના નામે લોકો પાસેથી કંપનીમાં રોકાણ કરાવતા હતા. જેના બદલામાં રોકાણની સામે 4 ટકા જેટલું કમિશન આપવાની લાલચ આપતા હતા. લોકો પાસેથી ઓછામાં ઓછા 10500 રૂપિયાનું રોકાણ કરાવી કરાવતા હતા.
આ ઉપરાંત 10,500 માંથી 500 રૂપિયા સર્વિસ ચાર્જ કાપી તેને એક યુનિટ એલોટ કરવામાં આવતું હતું. તેના બદલે એક આઈડી જનરેટ કરાવી જનરેટ થયા બાદ તેની નીચે જેટલા રોકાણકારો રોકાણ કરાવે તે મુજબ કમિશન આપવાની પણ લાલચ આપતા હતા. આ ટોળકી દ્વારા પોતાના સગા સંબંધીઓ પાસેથી 57 લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યું હતું. જેમાંથી તેમને 1 લાખ 73 હજાર નફા પેટે રોકાણકારોને બેંકમાં જમા કરાવ્યા હતા.
શરૂઆતમાં તમામ રોકાણકારોને તેમનો નફો મળ્યો હતો અને તે મુજબ આ કંપનીના લોકોએ વિશ્વાસ દેવડાવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ જ એટલે કે એક વર્ષમાં જે રૂપિયા પરત આપવાનો ભરોસો આપી રોકાણ કરાવ્યું હતું. જે પરત આપવામાં આવતા નહોતા અને લોકો જ્યારે પૂછપરછ કરતા, તો તેમને અલગ અલગ કંપનીઓના નામ આપી તેમાંથી પૈસા પરત નથી આવ્યા તેવા જવાબો આપતા હતા. જેને લઈને રોકાણકારોને શંકા જતા આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.