Lok Sabha Elections: અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે કાર્યવાહી, બે આરોપીની ધરપકડ
Lok Sabha Elections: અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે
Lok Sabha Elections: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સતિષ વણસોલા અને આર.બી.બારીયા નામના બે આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. બંન્ને આરોપી પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ બંન્ને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે.
સતીષ વણસોલાની ધરપકડ પર જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે સતીષ વણસોલા મારો PA નહીં, મારો ભાઈ સમાન છે. સતીષ છ વર્ષથી મારી સાથે જોડાયેલ છે. મેવાણીએ કહ્યું હતું કે સતીષના આત્મસન્માન માટે લડીશું. અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ તો તપાસનો વિષય છે.
ભાજપના સહપ્રવક્તા દિપક જોશીએ કહ્યું હતું કે વીડિયો વાયરલ કરનાર એ પણ જવાબદાર વ્યક્તિ છે. ભાજપ નેતા જયરાજસિંહે કહ્યું હતું કે આરોપી કયા સમાજ કે જ્ઞાતિનો છે તે લેવાદેવા નથી. કૉંગ્રેસ જ્ઞાતિગત રાજનીતિ કરે છે. આ નકલી વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય છે.
આ મામલે અનેક નેતાઓને નોટિસ
નોંધનીય છે કે દિલ્હી પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે.
નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં યુપીમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી છે. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. નાગાલેન્ડના કોંગ્રેસ નેતાને પણ નોટિસ મોકલવામાં આવી છે.
આ તમામને પોતાના મોબાઈલ સાથે લાવવા માટે કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે તેલંગણાના સીએમ રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.
કોંગ્રેસ ફેક વીડિયો ફેલાવી રહી છેઃ અમિત શાહ
નોંધનીય છે કે અમિત શાહનો ફેક વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. અમિત શાહે ગુવાહાટીના ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે.