Gujarat Politics: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, વધુ એક પાટીદાર નેતાએ આપ્યું રાજીનામું
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. યુવા આપ નેતા નિખિલ સવાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. યુવા આપ નેતા નિખિલ સવાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. જો કે, નિખિલ સવાણીએ ક્યા કારણે રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. નિખિલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. આમ અચાનક યુવા નેતાએ રાજીનામું આપી દેતા અનેક અટકળો વહેતી થઈ છે. વધુ એક પાટિદાર નેતાએ આમ આદમી પાર્ટી છોડતા પાર્ટીને ઝટકો લાગ્યો છે.
હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.@isudan_gadhvi @AAPGujarat pic.twitter.com/cvIDrMXnEy
— Nikhil Savani (@NikhilSavani_) November 11, 2023
તમને જણાવી દઈએ કે, નિખિલ સવાણીએ પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય ભુમિકા ભજવી હતી. હાર્દિક પટેલ અને નિખિલ સવાણી જુના મિત્રો છે. નિખિલ સવાણી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ બનાવવમાં આવ્યા હતા. જો કે, 8 જુલાઈ 2021ના રોજ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
આપમાં જોડાયા ત્યારે શું કહ્યું હતું સવાણીએ?
કોંગ્રેસમાં વિવાદ થયા બાદ પક્ષમાંથી બહાર નીકળી ગયા બાદ યુવા અગ્રણી નિખિલ સવાણી આમ આદમી પાર્ટી-‘આપ’માં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના તત્કાલિન પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ અગ્રણી ઈસુદાન ગઢવી અને પ્રભારી ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં નિખિલ સવાણીને પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ પ્રસંગે નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણીના પ્રશ્નોનાં નિકાલ માટે જે કામગીરી કરવામાં આવી છે. તેમની કામગીરીથી પ્રેરાઈને હું આપમાં જોડાયો છું. રાજયમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ખેતી, પાણી, વેપારની સમસ્યાઓને દૂર કરવા અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.
કોંગ્રેસ પર લગાવ્યા હતા ગંભીર આરોપ
નિખિલ સવાણીએ કોંગ્રેસ છોડ્યા બાદ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશિપ કરવામાં આવી રહી છે જે ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યુવક કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશિપ કરીને કરોડો રૂપિયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું. પરંતુ મેમ્બરશિપનો ડેટા આજદિન સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવામાં આવ્યો નથી. તો શું યુથ કોંગ્રેસમાં મેમ્બરશિપ માત્રને માત્ર પૈસા ભેગા કરવા માટે આવે છે? આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે જેની પાસે પૈસા વધારે હોય એ વ્યક્તિ જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે.