Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં ફરી રફ્તારનો કહેર સામે આવ્યો છે. આજે રોડ પર ઉભેલી બસ સાથે કારનો અકસ્માક સર્જાતા એકનું મોત થયું છે.

Ahmedabad: અમદાવાદમાં ફરી રફ્તારનો કહેર સામે આવ્યો છે. આજે રોડ પર ઉભેલી બસ સાથે કારનો અકસ્માક સર્જાતા એકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં AMTS અને XUV વચ્ચે અકસ્માત સર્જયો છે.
રોડ પર ઉભેલી AMTS બસ સાથે અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું છે જ્યારે એક અંદર ફસાતા ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા હાથ તપાસ ધરી છે. આ ઉપરાંત ફાયર વિભાગની મદદથી કારને રસ્તા પરથી ખસેડવામાં આવી છે. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
આ અંગે બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ, બસ નં TCM 41 ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી બોલેરો જીપ ચાલક ભૂલથી ઊભેલી બસની પાછળ અથડાઈ જતા બોલેરોમાં બેસેલા પ્રવાસીઓ ગંભીર ઇજા થયેલ છે. એમ્બ્યુલન્સ 108 માં ઇજાગ્રસ્ત ને લઈ ગયા છે. જેમાં સ્થાનિકના જણાવ્યા મુજબ એકનું મરણ થયેલ છે. જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ હાજર છે અને બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ અંગે એવી વાત પણ સામે આવી છે કે, અકસ્માત સર્જનાર કારચાલકે અગાઉ એક બાઈકચાલકને ટક્કર મારી હતી. બાઈકચાલકને ટક્કર મારી ઓવરસ્પીડ ગાડી દોડાવતા લકઝરી બસ અને AMTS ની બસ વચ્ચે કાર ફસાઈ હતી. લકઝરી બસ આગળ નીકળી જતા ગાડીનો ચાલક AMTS માં ઘુસી ગયો. જે બાદ ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલ વ્યક્તિનું મૃત્યુ થયું.
તો બીજી તરફ કેટલાક સ્થાનિક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે, કાર ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ ઉપરાંત ચાલકે દારૂ પીધો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે. બે બોટલ મળી હતી એક ખાલી અને એક ભરેલી હતી. આ ઉપરાંત અકસ્માત બાદ કારની હાલત જોઈને તમે તેની સ્પીડનો અંદાજો લગાવી શકો છે. અકસ્માત પહેલા કાર ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં જોવા મળ્યું છે કે કાર ઓવર સ્પીડમાં હતી.





















