ખેડૂતોની વેદના સાંભળી મુખ્યમંત્રી એ આપ્યા તાત્કાલિક નિવારણના આદેશ
‘સ્વાગત’ કાર્યક્રમમાં ખેડૂતોના લાંબા સમયથી બાકી પ્રશ્નોના નિરાકરણ માટે સમયમર્યાદા નક્કી કરાઈ.

Gujarat CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવતા ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત માર્ચ-૨૦૨૫ના રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી અને લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓનું નિર્ધારિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી (Gujarat Cm) એ ખેડૂતોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે લોકોમાં જાગૃતિનું સ્તર વધ્યું છે અને તેના કારણે વ્યક્તિગત પ્રશ્નોની સાથે જાહેર હિતના મુદ્દાઓ પણ ‘સ્વાગત’માં આવવા લાગ્યા છે. આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગોએ સકારાત્મક અભિગમ દાખવવો જોઈએ, એવા નિર્દેશો પણ તેમણે આપ્યા હતા.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો અને અરજદારોએ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન પોતાની ફરિયાદો રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) માર્ચ-૨૦૨૫ના ચોથા ગુરુવારે યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર રહેલા અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ના જનસંપર્ક કક્ષની વિડીયો વોલ દ્વારા તેમણે સંબંધિત જિલ્લા તંત્ર અથવા વિભાગ દ્વારા તે રજૂઆતો પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે પણ માહિતી મેળવી હતી.
આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૩૧ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, જેનું નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રી એ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં પણ નિયમિતપણે જિલ્લા સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ચ-૨૦૨૫ના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્તરે વિવિધ નાગરિકોની કુલ ૧૦૮૮ જેટલી ફરિયાદો રૂબરૂ સાંભળવામાં આવી હતી અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા.
તે ઉપરાંત, તારીખ ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્યભરની તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૧૭૨૪ જેટલી ફરિયાદો રૂબરૂ સાંભળીને તેના નિવારણ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સચિવ મતી અવંતિકા સિંઘ, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તેમજ અન્ય સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
