અમદાવાદમાં 'ગોવા ક્લબ' સ્ટાઇલ રેવ પાર્ટી પર દરોડા: શીલજના ફાર્મ હાઉસમાંથી 13 NRI સહિત 15 નબીરાઓ ઝડપાયા
અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી એક મોટી ઘટના અમદાવાદના શીલજ વિસ્તારમાં સામે આવી છે. બોપલ પોલીસે શીલજ નજીક આવેલા ઝેફાયર ફાર્મ હાઉસ પર દરોડો પાડી એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી એક મોટી ઘટના અમદાવાદના શીલજ વિસ્તારમાં સામે આવી છે. બોપલ પોલીસે શીલજ નજીક આવેલા ઝેફાયર ફાર્મ હાઉસ પર દરોડો પાડી એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે.
ડીજેના તાલે દારૂ પાર્ટી
પોલીસના દરોડામાં સામે આવ્યું કે આ ફાર્મ હાઉસમાં રીતસરની ગોવાની ક્લબ માફક પાર્ટી ચાલી રહી હતી. ડીજેના તાલે લોકો ડાન્સ કરી રહ્યા હતા અને ટેબલ ગોઠવીને દારૂ પાર્ટી ચાલી રહી હતી. દરોડા સમયે પણ ટેબલ પર દારૂ ભરેલા ગ્લાસ અને દારૂની બોટલો પડી હતી. આ ઉપરાંત ફાર્મ હાઉસમાં હુક્કા સાથે દારૂની મહેફિલ પણ જામી હતી.
13 વિદેશી નાગરિકોની ધરપકડ
બોપલ પોલીસે આ રેવ પાર્ટીમાંથી કુલ 15 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2 ભારતીય નાગરિકો સહિત 13 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ 15 લોકોને દારૂના નશામાં હોવાથી ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલા મોટાભાગના લોકો આફ્રિકન નાગરિકો હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય લોકો મોંગોલિયા અને કંબોડિયાના નાગરિકો હોવાનું પણ બહાર આવ્યું છે. નબીરાઓ દારૂ ગટગટાવતા હતા ત્યારે બોપલ પોલીસની ટીમ ત્રાટકી અને સમગ્ર પાર્ટીનો ભાંડો ફોડ્યો હતો.
શીલજમાં વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસના દરોડાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 13 NRI અને 2 ભારતીય નશો કરેલી હાલતમાં ઝડપાયાય. આટલું જ નહીં આ શરાબ- શબાબની પાર્ટીઓ માટે કાયદેસર પાસ છપાવાયા હતા. 700 રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી પાસની કિંમત હતી. આ ઉપરાંત પાસમાં દારુ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પોલીસની કામગીરી પર સવાલ
બોપલ પોલીસ દ્વારા સમયસર દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી તે યોગ્ય છે, પરંતુ આટલી મોટી માત્રામાં દારૂ ફાર્મ હાઉસમાં પહોંચ્યો ત્યાં સુધી પોલીસ શું કરી રહી હતી તે મુદ્દે ગંભીર સવાલો ઉભા થયા છે. આ રેવ પાર્ટી માટે પાસનું વિતરણ થયું હતું, તેમ છતાં પોલીસને કેમ સમયસર જાણ ન થઈ તે બાબતે પણ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.





















