Delta Plus Variant: અમદાવાદના આ પોશ વિસ્તારમાં ડેલ્ટા પ્લસ ફેલાયો હોવાના મુદ્દે AMCએ શું કરી સ્પષ્ટતા ?
રવિવારે આંબલી વિસ્તારમાં ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ નોંધાયા હોવાનો મેસેજ રવિવારે દિવસભર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. આ દરમિયાન આંબલી વિસ્તારમાં ડેલ્ટા પ્લસ ફેલાયો હોવાનો મેસેજ વાયરલ થયો હતો. મેસેજ વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જે મુજબ અમદાવાદ શહેરમાં એક પણ ડેલ્ટા પ્લસ વાયરસનો કેસ નોંધાયો નથી. નવો સ્ટ્રેન ડેલ્ટા પ્લસ છે તેનો એક પણ કેસ નોંધાયો નથી.
અમદાવાદ શહેરમાં બાર દિવસ બાદ રવિવારે કોરોના સંક્રમિત થવાથી એક દર્દીનું મોત થવા પામ્યું હતુ. રવિવારે શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા.શહેરના આંબલી વિસ્તારમાં ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ નોંધાયા હોવાનો મેસેજ રવિવારે દિવસભર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.જો કે મ્યુનિ.ના મેડીકલ ઓફીસર ઈન્ચાર્જ દ્વારા શહેરમાં એક પણ ડેલ્ટા વેરીયન્ટનો કેસ નોંધાયો ના હોવાનું કહ્યુ હતું.
આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા આંબલી વિસ્તારમાં એક જ પરીવારના છ સભ્યો અને અન્ય એક એમ કુલ મળી સાત લોકો કોરોના પોઝિટિવ થયા હતા.સરકારે ૧૭ જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના છ કેસ જાહેર કર્યા હતા.બીજી તરફ મ્યુનિ.ના ઉત્તર-પશ્ચિમ ઝોનના આંબલીમાં ૧૭ જુલાઈએ સાત કેસ રીપોર્ટ કરવામાં આવ્યા હતા.એક ઝોનમાં સાત કેસ હોય તો અન્ય છ ઝોનના કેસ કયા? એ મોટી ચર્ચાનો વિષય બન્યો હતો.
13 જુલાઈથી લઈ 16 જુલાઈ સુધી આંબલીના એક પરિવારના છ સભ્યો સહીત અન્ય એક એમ કુલ મળીને સાત લોકો કોરોના પોઝિટિવ થતાં તમામ સાત લોકો હોમ આઈસોલેશનમાં છે. રવિવારે દિવસભર થલતેજ વોર્ડના કોર્પોરેટરના નામે આંબલીમાં ડેલ્ટા વેરીયન્ટના સાત કેસ હોવાનો મેસેજ વાયરલ થયો હતો. મ્યુનિ.ના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ભાવિન સોલંકીની આ અંગે મળેલી પ્રતિક્રીયા મુજબ, અમદાવાદ શહેરમાં ડેલ્ટા વેરીયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. લોકોએ પેનિક થવાની જરુર નથી.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ફેક મેસેજ હોવાનું પણ તેમણે કહ્યુ હતું.