અમદાવાદમાં ડ્રગ્સ વેચનાર 'ડોન' અને 'બોન્ડ' ને જેલની સજા, સ્પેશિયલ NDPS કોર્ટનો મોટો ફેંસલો
Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વર્ષ 2022 માં નોંધવામાં આવેલા મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં નામદાર સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વનો ચુકાદો આપી બે આરોપીઓને સખત કેદની સજા ફટકારી છે.

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વર્ષ 2022 માં નોંધવામાં આવેલા મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં નામદાર સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વનો ચુકાદો આપી બે આરોપીઓને સખત કેદની સજા ફટકારી છે.
અમદાવાદ શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ ગત તા. 23/08/2022 ના રોજ એસ.ઓ.જી. (SOG) ની ટીમને એક મહત્વની બાતમી મળી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. દેસાઈ અને તેમની ટીમે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળ, વાણીયા શેરીના નાકે દરોડો પાડ્યો હતો.
- આ દરોડા દરમિયાન પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા:
- અમીનાબાનુ ઉર્ફે ડોન (રહે. કાલુપુર, અમદાવાદ)
- સમીરઉદીન ઉર્ફે બોન્ડ (રહે. કાલુપુર ટાવર પાસે, અમદાવાદ)
મુદ્દામાલની જપ્તી
પોલીસે આ બંને આરોપીઓના સંયુક્ત કબ્જામાંથી ગેરકાયદેસર નશીલા પદાર્થ મેફેડ્રોનનો કુલ 31.310 ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત આશરે ₹3,13,100 જેટલી થતી હતી. આ સાથે અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹3,31,000 નો મુદ્દામાલ કબજે કરી ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કોર્ટનો ચુકાદો (18 ડિસેમ્બર, 2025)
એસ.ઓ.જી. ટીમ દ્વારા આ કેસમાં મજબૂત પુરાવા એકત્રિત કરી સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. નામદાર સ્પેશિયલ NDPS કોર્ટ-અમદાવાદ શહેરમાં આ કેસ ચાલી જતાં, તા. 18/12/2025 ના રોજ કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી નીચે મુજબની સજા ફટકારી છે:
- અમીનાબાનુ ઉર્ફે ડોન: 5 વર્ષની સખત કેદની સજા અને ₹1,50,000 નો દંડ.
- સમીરઉદીન ઉર્ફે બોન્ડ: 4 વર્ષની સખત કેદની સજા અને ₹1,00,000 નો દંડ.
- જો આરોપીઓ દંડ ન ભરે તો તેમણે વધારાની કેદની સજા ભોગવવી પડશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે.
પોલીસની કટીબધ્ધતા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલ "SAY NO TO DRUG, YES TO LIFE" અભિયાન હેઠળ આ એક મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે કટીબધ્ધ અને પ્રયત્નશીલ રહેશે.
તો બીજી તરફ ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢતું અટકાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી Rolling Paper (રોલિંગ પેપર), Gogo Smoking Cone (ગોગો પેપર) અને Perfect Roll ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી પાન પાર્લર, ચાની દુકાનો કે કરિયાણાની દુકાનો પર આ વસ્તુઓનું વેચાણ કરવું કાયદેસરનો ગુનો ગણાશે. નિયમ તોડનાર વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 223 હેઠળ કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.




















