ગુજરાતના આ શહેરમાં 23 વર્ષ પછી વાવાઝોડું આવ્યું, મે મહિનામાં ઈતિહાસનો સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે.
અમદાવાદમાં 23 વર્ષના લાંબા ગાળા પછી વાવાઝોડું અમદાવાદને સ્પર્શીને પસાર થયું. વાવાઝોડાની અસરથી શહેરમાં મેમાં ઈતિહાસનો સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એક તરફ વાવાઝોડાની અસર તો બીજી તરફ એક જ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને 200 વૃક્ષો ધરાશાયી થયા છે. સૌથી વધુ શહેરના દક્ષિણ ઝોનમાં બે દિવસમાં કુલ 80 વૃક્ષો ધરાશાયી થયા. ઠેર ઠેર વૃક્ષો પડવાની ઘટનાઓ બનવા પામતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
પશ્ચિમ વિસ્તારમાં કર્ણાવતી હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થયું તો ખોખરા વિસ્તારમાં આવેલા સ્લમ કવાટર્સ પાછળ વૃક્ષ ધરાશાયી થયું. ઉત્તરઝોનમાં માયા ટોકીઝ પાસે તથા જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ચાંદની ફલેટમાં બે વૃક્ષો ધરાશાયી બનતા વાહનો દટાયા હતા. તો ભારે વરસાદના કારણે 70 વિસ્તારમાં પાણી ભરાયા. ગોતા, નારણપુરા, વેજલપુર, દાણીલીમડા, વિરાટનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા બકા,
ભારે વરસાદથી 10થી વધુ મકાનોને નુક્સાન થયાની પણ ઘટના બની છે. સાથે જ ત્રણ સ્થળે રોડ બેસી જવાની પણ ફરિયાદ મળી છે. એટલુ જ નહી વાવાઝોડાને પગલે અમદાવાદ જિલ્લામાંથી ચાર હજાર 600થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ત્રણ હજાર 46, ધંધુકા તાલુકામાંથી એક હજાર 123, સાણંદમાંથી આઠ,વિરમગામના 231 અને ધોળકા તાલુકાના 192 અને દસક્રોઈ તાલુકાના 100 લોકોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસા થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.