GARIYADHAR: ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો, ભાવનગરમાં ફરી યુવકના ત્રાસથી યુવતીએ કરી લીધી આત્મહત્યા
ભાવનગર: ફરી એક વખત ગારીયાધાર પંથકની 27 વર્ષીય યુવતીએ યુવકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. સચિન વોરા નામનાં યુવકે યુવતીને એટલી હદે મજબૂર કરી કે યુવતીએ સુસાઇડ નોટ લખી મોતને વહાલું કરવું પડ્યું છે.
ભાવનગર: જિલ્લામાં હવે યુવતીઓની સલામતી રહી નથી ફરી એક વખત ગારીયાધાર પંથકની 27 વર્ષીય યુવતીએ યુવકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. સચિન વોરા નામનાં યુવકે યુવતીને એટલી હદે મજબૂર કરી કે યુવતીએ સુસાઇડ નોટ લખી મોતને વહાલું કરવું પડ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. દીકરીઓની સલામતી માટે રાજ્યના ગૃહ મંત્રી દ્વારા આવારા તત્વો પર લગામ લગાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે.
યુવતીને છેલ્લા બે મહિનાથી લગ્ન કરવા માટે મજબૂર કરતો હતો યુવક
એક તરફ સરકાર દીકરીઓની સલામતી માટે ગુજરાતનું ઉદાહરણ આપતી હોય છે જ્યારે બીજી તરફ ભાવનગર જિલ્લામાં દીકરીઓને સલામતી રહી જ ન હોય તે પ્રકારે બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના એક ગામે ખેતી કામ કરી ગુજરાત ચલાવતા પરિવાર પર આભ તુટ્યો છે. બનાવની વિગત એ મુજબ છે કે સચિન વોરા નામનો યુવક રવિના બેન કાનાણી નામની 27 વર્ષીય યુવતીને છેલ્લા બે મહિનાથી લગ્ન કરવા માટે મજબૂર કરી ધાકધમકી આપી ફોટાઓ વાયરલ કરી બ્લેકમેલિંગ કરતો હતો. જેથી કંટાળી જય રવિના નામની યુવતીએ તારીખ 10-1-2023 ના રોજ એક સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.
દીકરીઓ પણ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહી છે
બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર રવિના કાનાણી નામની યુવતી એ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ઘરકામ કરી જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા બે મહિનાથી આરોપી સચિન વોરા નામના યુવકે દીકરીને વારંવાર ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરી નાખી હતી. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આ એક મહિનામાં ત્રીજો એવો બનાવ છે કે જેમાં યુવતીએ યુવકના ત્રાસથી જીવન ટૂંકાવવું પડ્યું છે. મહિલા સુરક્ષાની વાત કરતી સરકાર માર તમાચો સમાન એક પછી એક બનાવો ભાવનગરમાં જ સામે આવી રહ્યા છે. દીકરીઓ પણ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહી છે. દીકરીની આત્મહત્યા બાદ ફરી એક વખત સમાજ તેમની સાથે રહીને આરોપી વિરોધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે જો આ જ પ્રમાણે દીકરીઓની સલામતી નહીં જળવાઈ તો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઊભા થઈ શકે છે.
મૃતક દીકરીના પિતાએ હૈયા વેદના ઠાલવી
દીકરીની આત્મહત્યા બાદ ગારીયાધાર પોલીસે સુસાઇડ નોટનો કબજો કરી આરોપી સચિન વોરાની ધરપકડ કરી લીધી છે. સચિન વોરા નામનો યુવક આ જ ગામનો હોવાનું ખૂલ્યો છે. આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે ફરી એક વખત અન્ય કોઈ દીકરીને પરેશાન અને બ્લેકમેલિંગ કરવામાં ન આવે અને સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા કરવામાં આવે તેવી મૃતક દીકરીના પિતાએ હૈયા વેદના ઠાલવી હતી. જોકે આ ઘટના બનતાની સાથે જ ફરી એક વખત મહિલા સુરક્ષાને લઈ ભાવનગરમાં અનેક સવાલો ઊભા થયા છે.
આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી
મૃતક 27 વર્ષીય રવિના બેન દ્વારા આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સચિન વોરા નામનો યુવક મોબાઈલ પર ખરાબ મેસેજ અને ફોટા મોકલી ધાક ધમકી આપી પરિવારજનોને પણ ધમકાવતો હતો અને લગ્ન માટે મજબૂર કરતો હતો. સુસાઇડ નોટના અંતમાં દીકરીએ લખ્યું છે કે "સોરી પપ્પા મને માફ કરજો આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું".