Bhavnagar: ભાવનગરમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા મોત, મનપાની કામગીરી સામે લોકોમાં રોષ
ભાવનગર: શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેતા મહેસાણાના આશાસ્પદ એન્જિનિયર યુવકનું મોત નીપજ્યું છે.
ભાવનગર: શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેતા મહેસાણાના આશાસ્પદ એન્જિનિયર યુવકનું મોત નીપજ્યું છે. રખડતા ઢોરના કારણે વારંવાર થઈ રહેલા મોતને લઈ મનપાના પશુ નિયંત્રણ વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ટોપ થ્રી સર્કલ પાસે યુવકને રખડતા ઢોરે તેને અડફેટે લીધો
સમગ્ર ગુજરાતમાં હાઇકોર્ટની ટકોર છતાં પણ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર જાણે સુધારવાનું નામ ન લેતું હોય તેવું લાગી રહ્યું છે. હજુ પણ તંત્રના પાપે કેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાશે તે નક્કી નહીં, કારણકે રખડતા ઢોરના કારણે વધુ એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. મહેસાણાથી રોજીરોટી કમાવવા માટે ભાવનગર આવેલા એન્જીનીયર યુવક રવિ અમૃતલાલ પટેલ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો હોય અને ત્યારથી મામસા ફેક્ટરીએ પોતાના ધંધાર્થે બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે ટોપ થ્રી સર્કલ પાસે રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જેને લઇ તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
મોતનો સિલસીલો હજી પણ યથાવત
ભાવનગરમાં રખડતા ઢોરના કારણે થઈ રહેલા મોતનો સિલસીલો હજી પણ યથાવત રહ્યો છે. એક તરફ મનપા રખડતા ઢોર પકડવા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તો બીજી તરફ શહેરના દરેક રોડ રસ્તાના 50 મીટરના અંતર પર રખડતા ઢોરના ઝુંડ જોવા મળી રહ્યા છે. છતાં પણ ઢોર નિયંત્રણ અધિકારી ઢોર પકડવાના દાવા કરી રહ્યા છે. ભાવનગર શહેરમાં જ્યારે પણ રખડતા ઢોરના કારણે કોઈનો ભોગ લેવાય છે ત્યારબાદ મહાનગરપાલિકાનાં અધિકારીઓ પાંચ દિવસ માટે જાગે છે ત્યારબાદ ફરી એની એ સમસ્યા જોવા મળતી હોય છે. રખડતા ઢોરને લઈ મનપા સામે અનેક રોષ અને સવાલો ઉઠી રહ્યા છે છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ કાર્યવાહી કરવાના બદલે એસી ઓફિસમાં બેસીને ઢોર પકડી રહ્યા છે તેવા પોકળ દાવા કરી રહ્યા છે.
લોકોને ચાલીને બહાર નિકળવું હોય તો પણ વિચાર કરવો પડે
રખડતા ઢોરના કારણે વારંવાર લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આની પાછળ જવાબદાર કોણ મહાનગરપાલિકા દ્વારા એક પણ વખત ઢોર માલિક કે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી નથી. એક તરફ રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે શહેરમાં વધી રહ્યો છે કે લોકોને ચાલીને બહાર નિકળવું હોય તો પણ વિચાર કરવો પડે ત્યારે શહેરીજનો પૂછી રહ્યા છે કે શહેરમાં રખડતા ઢોરના કારણે હજી પણ કેટલા લોકોનો ભોગ લેવા છે. શા માટે કડક કાર્યવાહી મહાનગર પાલિકા કરી રહ્યું નથી. એક તરફ શહેરમાં પશુઓને ખવડાવવામાં આવતો ખસચારો વહેંચવા માટે રાફડો ફાટ્યો છે જેના કારણે રખડતા પશુઓ ગલી ગલીએ જોવા મળી રહ્યા છે.