બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા AI જનરેટેડ ફોટા અને વીડિયો અંગે ભક્તોને સાવધાન રહેવા અપીલ કરી.

ભાવનગર: ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા AI જનરેટેડ ફોટા અને વીડિયો અંગે ભક્તોને સાવધાન રહેવા અપીલ કરી છે. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે બાપાના નામે પ્રસારિત થતી બનાવટી અને કાલ્પનિક સામગ્રી ભક્તોને ગેરમાર્ગે દોરી રહી છે, તેથી આવી કોઈપણ સામગ્રી પર વિશ્વાસ ન કરવો.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ, બજરંગદાસ બાપાએ પોતાના જીવનકાળમાં ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નહોતો. તેમણે સાધના, સેવા, સદાચાર અને શ્રીરામના નામના બળે લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. આવા મહાન સંતના નામે ખોટી વાર્તાઓ અને બનાવટી ફોટા-વીડિયો પ્રસારિત થવું અત્યંત દુઃખદ અને ગંભીર બાબત છે.
🚨 શ્રદ્ધાના નામે ક્યાંક આપણે પૂજ્ય બાપાનું સાચું સ્વરૂપ તો નથી ભૂંસી રહ્યા ને?
— Bapasitaram Temple (@bagdanatemple) August 5, 2026
સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનેલા પૂજ્ય બજરંગદાસ બાપાના કાલ્પનિક ફોટા/વિડીયો શેર ન કરવા બગદાણા આશ્રમની દરેક ભક્તને બે હાથ જોડીને નમ્ર અપીલ છે.
સંતો એ કોઈ કલ્પનાનો વિષય નથી.… pic.twitter.com/QHnZ9jUsn9
મંદિર ટ્રસ્ટે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર વ્યુઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં કેટલાક લોકો મનઘડંત કથાઓ અને AI દ્વારા તૈયાર કરાયેલા ફોટા-વીડિયો શેર કરી રહ્યા છે. આ પ્રકારની સામગ્રી બાપાના મૂળ સ્વરૂપ અને તેમના ભક્તિસંદેશ સાથે મોટો અન્યાય કરે છે.
ટ્રસ્ટે ચેતવણી આપી છે કે જો આવી કાલ્પનિક અને ભ્રામક સામગ્રીને સમયસર રોકવામાં નહીં આવે તો આવનારી પેઢી બજરંગદાસ બાપાના સાચા જીવનચરિત્ર અને ઇતિહાસથી વંચિત રહી શકે છે. જેના કારણે તેમના જીવનમૂલ્યો અને આધ્યાત્મિક સંદેશ વિશે ખોટી માન્યતાઓ ઉભી થવાની શક્યતા વધી શકે છે.
ટ્રસ્ટે તમામ ભક્તોને અપીલ કરી
અંતમાં મંદિર ટ્રસ્ટે તમામ ભક્તોને અપીલ કરી છે કે તેઓ માત્ર આશ્રમ અથવા મંદિર ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે. સાથે જ કોઈપણ બનાવટી ફોટા, વીડિયો અથવા કાલ્પનિક માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા અને આવા કન્ટેન્ટથી સાવધાન રહેવા અનુરોધ કર્યો છે. ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું કે સંતો ક્યારેય મનોરંજન કે કલ્પનાનો વિષય નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને સમર્પણના પ્રતીક છે.






















