(Source: ECI/ABP News/ABP Majha)
BHAVNAGAR : ભષ્ટ્રાચારના વિરોધમાં કોંગ્રેસનો અનોખો યજ્ઞ, નકલી નોટો સાથે રાખી આહુતિ આપી
BHAVNAGAR NEWS : આગામી દિવસોમાં શહેર કોંગ્રેસ રાજ્યપાલને મળી ભાવનગર મહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરશે.
BHAVNAGAR : ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારને લઈ કોર્પોરેશનની બહાર યજ્ઞ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનાં ટેબલ પર નકલી નોટોનો ઢગલો મૂકી ભ્રષ્ટાચાર બંધ કરવા સૂત્રોચાર કર્યા હતા. ભાજપના બંને નગરસેવક પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે તેમના તાત્કાલિક ધોરણો રાજીનામા લેવામાં આવે તેવી માંગ કરી હતી. આગામી દિવસોમાં શહેર કોંગ્રેસ રાજ્યપાલને મળી ભાવનગરમહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરશે.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશનની બહાર જ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં નકલી નોટોના બંડલ સાથે કોર્પોરેશનમાં જ ભ્રષ્ટાચાર વિરોધની આહુતિ આપવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર મનપાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય તેમજ મંત્રીઓના નામની આહુતિ આપી હતી. વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાઓ સૂત્રોચાર સાથે કોર્પોરેશનમાં પ્રવેશી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી હતી એ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લાગી રહેલા બંને નગરસેવકોને માત્ર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદેથી, પરંતુ કોર્પોરેટરના પદ પરથી બંને નગરસેવકોને તાત્કાલિકના ધોરણે રાજીનામાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર દિમગની જેમ વધી રહ્યો છે સગા વાદ અને વાલા દવલાની નીતિ રાખવામાં આવે છે અને અંગત લાભો મેળવવા માટે શાસક પક્ષના નેતાઓ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપીને પૈસા કમાઈ રહ્યા છે તેવા સ્પષ્ટ વિરોધ કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને શહેર કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું
જોકે મનપામાં ભાજપના નગરસેવકો દ્વારા થતા ભ્રષ્ટાચારને લઈ થોડા દિવસ પહેલા સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતાએ સબૂત સાથે ઓડિયો ક્લિપ વાયરલ કરશે તેવી ખાતરી આપી હતી પરંતુ એ વાતને આજે પાંચ દિવસ વીતી ગયા છતાં પણ સબૂત જનતા સમક્ષ મૂક્યા નથી આ અંગે abp asmita દ્વારા શહેર કોંગ્રેસને પૂછતા તેમને જણાવ્યું હતું કે માત્ર પાંચ દિવસમાં ભાજપના ભ્રષ્ટાચાર અંગે તમામ સબૂતો જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
ત્યારે જોવાનું રહ્યું કે શહેર કોંગ્રેસ આ બાબતે માત્ર વિરોધ જ કરે છે કે ભ્રષ્ટાચાર અને ખુલ્લો પાડવા કમર કસશે. જોકે બંને નગરસેવકો પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપને લઈ કોંગ્રેસ તપાસની પણ માંગ કરશે તેવી ખાતરી આપી છે.