Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની કથાકાર મોરારીબાપુએ તલગાજરડામાં ઉજવણી કરી, કહી આ વાત
મોરારીબાપુએ કહ્યું, બરાબર 400 વર્ષ પહેલાં પૃથ્વીએ તુલસીદાસજીના રૂપમાં ચંદ્રનો જન્મ જોયો હતો અને આજે તુલસી જયંતિના અવસરે ચંદ્રયાન ચંદ્રને ભેટી પડ્યો છે.
Moraribapu on Chandryaan-3 Landing: ઇસરોએ ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. વિશ્વની નજર ભારતના આ મિશન પર ટકેલી હતી. 'ચંદ્રયાન-3'ના સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત વિશ્વમાં રશિયા, અમેરિકા અને ચીનની બરાબરી પર આવી ગયું છે. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા ત્રણ દેશોએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાઓ આ સફળતા પ્રાપ્ત કરી હતી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે.
મોરારીબાપુએ શું કહ્યું
જાણીતા આધ્યાત્મિક નેતા અને રામચરિતમાનસના ઘડવૈયા મોરારી બાપુએ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે આતુરતાથી પ્રાર્થના કરી હતી. મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવમાં ભાગ લઈ રહેલા મોરારી બાપુએ જણાવ્યું હતું કે “અમારી તુલસી જયંતિની ઉજવણી વચ્ચે, વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર હળવાશથી નીચે ઉતરીને અમારા હૃદયને ગર્વથી ભરી દેતાં અમે એક મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બન્યા. બરાબર 400 વર્ષ પહેલાં પૃથ્વીએ તુલસીદાસજીના રૂપમાં ચંદ્રનો જન્મ જોયો હતો અને આજે તુલસી જયંતિના અવસરે ચંદ્રયાન ચંદ્રને ભેટી પડ્યો છે. મોરારી બાપુએ એમ પણ કહ્યું કે તેમને મિશનની સફળતા અંગે વિશ્વાસ છે કારણ કે સાધુ અને સંતો સહિત સમગ્ર દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો હતો.
ચંદ્રયાન-3 મિશન માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરતા તેમણે કહ્યું, "હું ISROના વૈજ્ઞાનિકોને, 140 કરોડ ભારતીયોને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, જેમના નેતૃત્વમાં અમે આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું છે, મારા ખૂબ જ નિષ્ઠાપૂર્વક અભિનંદન પાઠવું છું.
ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ
ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થતાં જ ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો અને ઇતિહાસ રચ્યો હતો. ઈસરો દ્વારા 2008માં ભારત માટે પહેલી વખત મૂન મિશન ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. તે એક વર્ષમાં જ સંપર્ક વિહોણું થઈ જતાં તેનો અંત આવ્યો હતો. તેના 11 વર્ષ બાદ 2019માં ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું જે ચંદ્રની સપાટીથી માત્ર 2 કિ.મી દૂર હતું ત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું અને આ મિશન પણ ખોટકાઈ ગયું. આ બંને મિશનની નિષ્ફળતાઓથી બોધપાઠ લઈને ભારતે 2023માં ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું.