મોટી જાહેરાત : ભાવનગર શહેરમાં આવેલા ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલવામાં આવશે, જાણો નવું નામ
Victoria Park Bhavnagar : ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વનવિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે.
Bhavnagar : ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વનવિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે. ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક કે જે રાજવી પરિવારની દેણ છે જેનું નામ આગામી સમયમાં બદલવામાં આવશે. ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે. આમ હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
ઇંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાના નામે નામકરણ થયું હતું
એક રિપોર્ટ મુજબ મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભારતમાં ઇંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાનું શાસન હતું અને તેમના જન્મોત્સવ 24 મેએ હતો આથી ભાવનગરના રાજવીએ 24 મે,1888ના રોજ સાંજના આ પાર્કને વિક્ટોરિયા પાર્ક નામકરણ કરી ખુલ્લો મુક્યો હતો. તે સમયે મોટા પર્વ જેવી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી. 101 અશ્વસવારો અને દરબારી લશ્કરની કવાયતો યોજાઇ હતી.
જાણો વિક્ટોરિયા પાર્ક વિશે
ભાવનગર શહેરમાં આવેલ વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર છે. આ વન વિસ્તાર 202 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે.આ વન વિસ્તારની સ્થાપના 24 મે 1888ના રોજ ભાવનગર રજવાડાંનાં તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં એક વન ભોજનશાળા અને બાળકો માટેનું રમતગમતનું ઉદ્યાન પણ આવેલ છે. વન ભોજનશાળાનું નામ મિસ્ત્રી હરીલાલ વન ભોજનશાળા છે. આ પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ આવેલું છે. જેમાં વચ્ચે એક ટાપુ પર અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત બને છે. કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હીલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે, જેના ઉપરથી આખા વિક્ટોરીયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું અવલોકન શક્ય છે.
241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારનાં વૃક્ષો
વિક્ટોરિયા પાર્કમાં 241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારનાં વૃક્ષો આવેલા છે, જેમાં અરડૂસો, અરીઠા, અર્જુન, આપ્ટો, આમલી, આમળા, આસોપાલવ, આંબો, ઈંગોરીયો, ઉમરો સહીત અનેક વૃક્ષો આવેલા છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારનાં સાપ પણ જોવા મળે છે. સાથે અનેક જીવ સૃષ્ટિનું કાયમી વસવાટ છે.