Rupala Controversy: રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય
ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે
Rupala Controversy: ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.
રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે.
વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું -
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.
વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.