BHAVNAGAR : સાંસદ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા સાધનો સર ટી હોસ્પિટલમાં ખાય છે ધૂળ, દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી
ધારાસભ્ય દ્વારા દોઢ કરોડના ખર્ચે હોસ્પિટલમાં સાધનો વિકસાવવા માટે અને સુવિધા પૂરી આપવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ હોસ્પિટલમાં આ સાધનો એક સ્ટોર રૂમમાં બંધ કરીને મૂકી દેવામાં આવ્યા છે
BHAVNAGAR : ભાવનગરની સર ટી. સિવિલ હોસ્પિટલમાં લોકોને તૂટેલી વિલચેર અને સ્ટ્રેચરથી આરોગ્યની સુવિધા મળી રહે છે. સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે હોસ્પિટલ આવતા હોય છે પરંતુ ખખડધજ વિલચેર અને સ્ટ્રેચરના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ધારાસભ્ય વિભાવરીબેન દવે તેમજ સાંસદ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ગ્રાન્ટમાંથી કરોડોના ખર્ચે સાધનો વાસવામાં આવ્યાં હોવાનાં તેવા દાવા કરવામાં આવ્યાં હતા. તો પછી આ બધા સાધનો ગયા ક્યાં?
ધૂળ ખાય છે નવા સાધનો
આનો ખુલાસો ધારાસભ્ય વિભાવરીબેન દવેની હોસ્પિટલ મુલાકાત દરમિયાન થયો અને હોસ્પિટલની બેદરકારી સામે આવી જેમાં નવા વસાવામાં આવેલા વિલચેર અને સ્ટ્રેચર સ્ટોર રૂમમાં બંધ કરીને શોકેસની માફક મુકી દેવામાં આવ્યા છે, જ્યારે દર્દીઓ અને તેના સ્વજનો વોર્ડમાં આ સાધનો માટે રઝળપાટ કરી રહ્યા છે.
વિલચેર અને સ્ટ્રેચર તૂટેલા
સર ટી સિવિલ હોસ્પિટલમાં મૂળભૂત જરૂરિયાત જેમ કે વિલચેર અને સ્ટ્રેચરની વારંવાર જરૂરિયાત ઊભી થતી હોય છે જે દર્દીઓને મળી રહી નથી. હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ બીજી તરફ જે વિલચેર અને સ્ટ્રેચર છે તે અત્યંત દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે.
ધારાસભ્યએ જાત નિરીક્ષણ કરતા ખુલાસો થયો
જોકે આ અંગે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા હોસ્પિટલના દર્દીઓના લોક પ્રશ્ન સાંભળીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આવતા હોય છે.પરંતુ હોસ્પિટલની અંદરની જે મૂળભૂત જરૂરિયાત છે તે અંગે કોઈ તસ્દી કે નિરાકરણ લાવવામાં આવતું નથી. લાંબા સમય બાદ ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા હોસ્પિટલના અંદરના વોર્ડમાં આજે મુલાકાત લેવામાં આવી ત્યારે દર્દીઓએ અનેક ફરિયાદો કરી હતી, જેમાં મુખ્યત્વે વિલચેર અને સ્ટ્રેચરની સુવિધા અંગે જાણ લેતા હકીકત સામે આવી હતી ત્યારબાદ ધારાસભ્યએ હોસ્પિટલના અધિકારીઓને ખખડાવ્યા હતા
દોઢ કરોડના લખર્ચે વસાવવામાં આવ્યાં છે સાધનો
ધારાસભ્ય દ્વારા દોઢ કરોડના ખર્ચે હોસ્પિટલમાં સાધનો વિકસાવવા માટે અને સુવિધા પૂરી આપવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ કમનસીબી એ છે કે હોસ્પિટલમાં જે નવા વિલચેર અને સ્ટ્રેચર ખરીદવામાં આવ્યા છે તે એક સ્ટોર રૂમમાં બંધ કરીને મૂકી દેવામાં આવ્યા છે બીજી તરફ દર્દીઓને સ્ટ્રેચર અને વિલચેરના કારણે મુશ્કેલી ભોગવી પડે છે, સરકાર દ્વારા કરોડો રૂપિયાનો રૂપિયાના ખર્ચે દર્દીઓ માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે તે ભાવનગરની હોસ્પિટલમાં સાર્થક થતી જોવા મળી રહી નથી.
ધારાસભ્યએ અધિકારીઓને સ્થળ પર જ ખખડાવ્યાં
વિભાવરીબેન દવે દ્વારા આજે હોસ્પિટલમાં જમીનની સ્થિતિ અંગે દર્દીઓ સાથે વાતચીત કરતા હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી જેમાં ધારાસભ્ય સ્થળ પર જ આર.એમ.ઓ સહિતના જે અધિકારીને ખખડાવી તાત્કાલિક ધોરણે તમામ વોર્ડમાં સ્ટ્રેચર અને વિલચેરની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી અને જે ખખડધજ હાલતમાં છે તેમને હટાવી લેવા માટે જણાવ્યું છે.