2000 Rupees Note Ban : 'બે હજાર'ની બોલતી બંધ
30 સપ્ટેમ્બર 2023 સુધી લોકો 2000 રુપિયાની નોટ બેંકોમાં બદલાવી શકાશે. 23 મે 2023થી 2000ની નોટ રુપિયા 20000ની મર્યાદા સુધી બદલી શકાશે.
ભારતમાં ચલણી નોટો પરત લેવાનો નિર્ણય આડકતરો રાજકીય સંબંધ ખરો. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને ત્યાર બાદ 1977 માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની ખીચડી સરકાર બની અને પ્રથમ ગેર કૉંગ્રેસી વડાપ્રધાન બન્યા ગુજરાતી મોરારજી દેસાઈ. સમર્થન આપનારા સાથી પક્ષોએ અગાઉની સરકાર સામે ભારે નારાજગી દર્શાવી હતી જેમાં તબક્કાવાર અનેક આરોપો લઈને પાઠ ભણાવવા વડાપ્રધાનને અનુરોધ કર્યો હતો. વર્ષ 1978માં આજ નારાજગીના પગલે દેશમાં પ્રથમ વખત રુપિયા 1 હજાર, રુપિયા 5 હજાર અને રૂપિયા 10 હજારની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ એ સમય હતો જ્યારે ભારતમાં 10 ગ્રામ સોનુ 58 હજારમાં નહી પરંતુ માત્ર 700 રુપિયામાં મળતું હતું.
8 નવેમ્બર, 2016ના રોજ દેશમાં ફરી એક વખત એક હજાર તેમજ રુપિયા 500ની ચલણી નોટ રદ કરવાનો નિર્ણય ફરી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો. નોટબંધી બાદ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેંકોની બહાર લોકો પોતાના જ પૈસા મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હતા. આ સમય લગ્નસરાની સીઝન હોય લોકોએ પોતાના સંતાનોના લગ્નમાં ખર્ચને લઈને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નોટબંધી માટેનો સરકારનો આશય કાળા નાણા પર અંકુશ લગાવવો તેમજ આતંકવાદ પર કાબુ મેળવવાનો હતો.
આજે ફરી એક વખત દેશમાં 2000 રુપિયાની ચલણી નોટને લઈ RBIએ કરેલા નિર્ણયને લઈને લોકો મૂઝવણમાં મૂકાયા છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી લોકો 2000 રુપિયાની નોટ બેંકોમાં બદલાવી શકાશે. 23 મે 2023થી 2000ની નોટ રુપિયા 20000ની મર્યાદા સુધી બદલી શકાશે. તમે બેંકો અને RBIની 19 શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ બદલી શકશો.
RBIના આ નિર્ણયના પગલે દેશમાં રાજકિય પક્ષો દ્વારા કેંદ્ર સરકાર પર નિશાન સાધવાનું શરુ થયું છે. કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે તો આમ આદમી પાર્ટીએ પણ કેંદ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે 8 નવેમ્બર 2016નું ભૂત ફરી એકવાર દેશને પરેશાન કરવા આવી ગયું છે. નોટબંધીનું ખૂબ જ પ્રચારિત પગલું દેશ માટે એક મોટી આપત્તિ બની ગયું છે. PM મોદીએ 2000ની નવી નોટોના ફાયદા પર દેશને ઉપદેશ આપ્યો, આજે જ્યારે પ્રિન્ટિંગ બંધ છે, ત્યારે શું થયું એ બધા વાયદાઓનું ?
સરકારે આવા પગલા પાછળનો પોતાનો ઈરાદો સમજાવવો જોઈએ. સરકાર પોતાનો જનવિરોધી અને ગરીબ વિરોધી એજન્ડા ચાલુ રાખી રહી છે. એવી અપેક્ષા છે કે મીડિયા સરકારને આવા કડક પગલા પર સવાલ કરશે અને વિશ્વમાં 'ચિપની અછત' માટે જવાબદાર નહીં ગણાવે.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે 2016માં નોટબંધી પછી લોકોએ નોકરી ગુમાવી, મૃત્યુ પામ્યા અને અર્થવ્યવસ્થાને નુકસાન થયું. જે સરકારે 2016માં દાવો કર્યો હતો કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે પરંતુ તેમ થયું નહીં. મને આશા છે કે આ વખતે નિષ્ણાતોના અભિપ્રાય પર નિર્ણય લેવામાં આવ્યો છે.