મોદી સરકારની મોટી જાહેરાત: 8મા પગાર પંચની નિમણૂક ટૂંક સમયમાં, લાખો કર્મચારીઓને થશે લાભ
કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ ની રચનાની જાહેરાતને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થઈ નથી.

8th Pay Commission news: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. 8મા પગાર પંચની રચના અંગે સરકાર ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરી શકે છે. નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે સંકેત આપ્યો છે. આ કમિશનનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2026 થી શરૂ થવાનો છે અને તેનો હેતુ સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાની સમીક્ષા કરવાનો છે.
કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ ની રચનાની જાહેરાતને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થઈ નથી. જોકે, નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું કે, સરકારને વિવિધ હિસ્સેદારો પાસેથી ઇનપુટ મળ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવશે. 7મા પગાર પંચ નો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરો થશે અને 8મા પગાર પંચ નો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થવાની અપેક્ષા છે, જેનાથી લાખો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો થશે.
સભ્યોની નિમણૂક અંગે સંકેત
નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું કે સરકારને વિવિધ હિસ્સેદારો પાસેથી ઇનપુટ મળ્યા છે અને 8મા પગાર પંચ ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક અંગેની સત્તાવાર જાહેરાત 'યોગ્ય સમયે' કરવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પગાર પંચ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની ભલામણો રજૂ કરશે. આ નિવેદનથી એવું લાગે છે કે સરકાર આ મામલે ગંભીરતાથી કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે.
સમયસર અમલીકરણની અપેક્ષા
સામાન્ય રીતે, કેન્દ્ર સરકાર દર 10 વર્ષે પોતાના કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરવા માટે પગાર પંચની રચના કરે છે. 7મા પગાર પંચ નો 10 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ ચક્ર મુજબ, 8મા પગાર પંચ નો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થવાનો છે. જોકે, મોદી સરકારે 16 જાન્યુઆરીએ આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી સભ્યોની નિમણૂક ન થતાં કર્મચારીઓમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.
પગાર અને ભથ્થા પર અસર
8મા પગાર પંચના અમલ બાદ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર, પેન્શન અને અન્ય ભથ્થામાં સુધારો થશે. આનાથી તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. અત્યાર સુધીના પગાર પંચોના ઇતિહાસને જોતાં, નવા પગાર પંચની ભલામણોથી પગારમાં સારો એવો વધારો થવાની અપેક્ષા છે. હવે સૌની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર છે.





















