Adani Group : FPO બાદ અદાણીનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, હવે પ્લાન પણ કર્યો રદ્દ
અદાણી એન્ટરપ્રાઈઝ એડલવાઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ., એકે કેપિટલ, જેએમ ફાઈનાન્શિયલ અને ટ્રસ્ટ કેપિટલ સાથે બોન્ડ ઈશ્યુ કરવા માટે કામ કરી રહી હતી પરંતુ હવે સોદો રદ કરી દીધો છે.
Adani Group Shelves Bond Plan : અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની હાલત કફોડી બની છે. જૂથે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પાછો ખેંચી લીધા બાદ હવે બોન્ડ પ્લાન પણ રદ કરી દીધો છે. કંપનીએ આ બોન્ડ પ્લાન દ્વારા રૂ. 10 અબજ રૂપિયા ($122 મિલિયન) એકત્ર કરવાની યોજના બનાવી હતી. કંપની પ્રથમ વખત બોન્ડનું જાહેર વેચાણ કરવા જઈ રહી હતી. પરંતુ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કંપનીએ આ પ્લાનને હોલ્ડ પર રાખ્યો છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં 70 ટકાનો કડાકો બોલ્યો છે અને તેના માર્કેટ કેપમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ એડલવાઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ., એકે કેપિટલ, જેએમ ફાઈનાન્શિયલ અને ટ્રસ્ટ કેપિટલ સાથે બોન્ડ ઈશ્યુ કરવા માટે કામ કરી રહી હતી પરંતુ હવે સોદો રદ કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપના શેરમાં તાજેતરમાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ અદાણી ગ્રૂપે પણ અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. જો કે તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયું હતું, ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે એક નિવેદન જારી કરીને કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કંપનીએ નૈતિકતાના આધારે તેને પાછી ખેંચી લીધો છે.
21મા ક્રમે સરક્યા
એડલવાઇઝે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે અન્ય ત્રણ નાણાકીય કંપનીઓએ જવાબ આપ્યો નહોતો. અદાણી ગ્રુપે પણ ઈમેલનો જવાબ આપ્યો ન હતો. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના જણાવ્યા અનુસાર, શેરમાં ભારે ઘટાડાને કારણે કંપનીની ભંડોળ એકત્ર કરવાની ક્ષમતાને અસર થઈ છે. માનવામાં આવે છે કે, હવે કંપની અન્ય માધ્યમથી નાણાં એકત્ર કરવા પર વિચાર કરશે. તેમાં આંતરિક સંસાધનો શામેલ છે. અદાણી ગ્રૂપે ગયા વર્ષે અંબુજા સિમેન્ટ્સ અને ACC ખરીદી હતી. આ માટે તેણે અનેક આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી લોન લીધી હતી. જેને 2024 થી 2026 સુધી ચૂકવવાનું છે.
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગયા અઠવાડિયે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અદાણી ગ્રૂપ દાયકાઓથી સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. જો કે, અદાણી ગ્રુપે આ અહેવાલને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો હતો અને તેને ભારત વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. પરંતુ ગ્રુપના શેર અને બોન્ડમાં ભારે ઘટાડો થયો છે. આ કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં $108 બિલિયનનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાનેથી 21માં સ્થાને આવી ગયું છે.