1 એપ્રિલથી ભંગાર થઈ જશે આ તમામ 15 વર્ષ જૂના વાહનો, જાણો રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો નવો આદેશ
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 ના બજેટમાં વાહનોની સ્ક્રેપ નીતિની જાહેરાત કરી હતી.
Scrap Policy: 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ સરકારી વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર સિવાય તમામ રાજ્ય સરકારોના વાહનોનો સમાવેશ થાય છે. તેમજ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રની કંપનીઓની માલિકીની બસો પણ આમાં સામેલ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ગુરુવાર, 19 જાન્યુઆરીએ જારી કરાયેલી સૂચના અનુસાર, 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે.
જોકે, આ નિયમ દેશના સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને આંતરિક સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા સૈન્ય, અર્ધલશ્કરી દળો અને પોલીસના સશસ્ત્ર વાહનો અને અન્ય વિશેષ વાહનોને લાગુ પડશે નહીં.
સૂચના અનુસાર, "આવા વાહનોને તેમની નોંધણીની પ્રથમ તારીખથી 15 વર્ષ પૂર્ણ થયા પછી સ્ક્રેપમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા મોટર વ્હીકલ (રજીસ્ટ્રેશન એન્ડ ફંક્શનિંગ ઓફ વ્હીકલ સ્ક્રેપ ફેસિલિટી) એક્ટ 2021 હેઠળ ખોલવામાં આવેલી રજીસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા દ્વારા પૂર્ણ થવી જોઈએ.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 ના બજેટમાં વાહનોની સ્ક્રેપ (Scrap Policy) નીતિની જાહેરાત કરી હતી. આ હેઠળ, વ્યવસાયિક વાહનો માટે 15 વર્ષ અને વ્યક્તિગત કાર માટે 20 વર્ષ પછી ફરજિયાત ફિટનેસ ટેસ્ટ તપાસવાની જોગવાઈ કરવામાં આવી હતી.
નવી નીતિ 1 એપ્રિલ 2022થી અમલમાં આવી. આમાં, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી હતી કે જો કોઈ વ્યક્તિ તેની જૂની કારને સ્ક્રેપ કરીને નવું વાહન ખરીદે છે, તો તેઓ તેને રોડ ટેક્સમાં 25 ટકાની છૂટ આપશે.
ખાનગી વાહનો માટે આ નિયમ હાલમાં લાગુ નહીં પડે
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, સરકારનો આ નિર્ણય હાલમાં ખાનગી કાર અથવા મોટર વાહનોના માલિકો માટે ફરજિયાત નથી. એટલે કે, જો તમારી પાસે કાર અથવા અન્ય કોઈ મોટર વાહન છે, તો સરકારનો આ આદેશ તમને લાગુ પડશે નહીં. જો કે, જો તમે સ્ક્રેપેજ પોલિસી હેઠળ તમારા 15 વર્ષ જૂના વાહનનો નિકાલ કરો છો, તો તમને નિયમો અનુસાર લાભ મળશે.