Black Friday : દુનિયાના 40 દેશોમાં અમેઝોન વિરૂદ્ધ જોરદાર પ્રદર્શનો, જેફ બેઝોસની મુશ્કેલીઓ વધી
અમેઝોન વિરૂદ્ધ તેના જ હજારો કર્મચારીઓએ અમેરિકા, બ્રિટન, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સહિત યુરોપના ઘણા દેશોમાં પ્રદર્શનો.
Amazon Black Friday Protest: વિશ્વના 40 દેશોમાં હજારો એમેઝોન કર્મચારીઓ દ્વારા કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. મોટા પ્રમાણમાં કર્મચારીઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યાં છે. આ ધરણાં પ્રદર્શનને બ્લેક ફ્રાઈડે સેલ્સ નામ આપવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનો ત્યારે શરૂ થયા છે જ્યારે Thanksgiving Dayનો દિવસ આવવા જઈ રહ્યો છે. જાહેર છે કે, આ દિવસે મોટા પ્રમાણમાં લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અમેઝોન વિરૂદ્ધ તેના જ હજારો કર્મચારીઓએ અમેરિકા, બ્રિટન, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા સહિત યુરોપના ઘણા દેશોમાં સારા વેતન અને કમ્મરતોડ મોંઘવારીને કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસને ધ્યાનમાં રાખીને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવાને લઈને માંગ કરી રહ્યા છે. 40 દેશોમાં કર્મચારીઓ મેક એમેઝોન પે નામનું અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશને વિવિધ દેશોના ટ્રેડ યુનિયનો, પર્યાવરણ અને સિવિલ સોસાયટી જૂથો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળી રહ્યું છે. આ યુનિયનોની માંગણી છે કે આ ટેક કંપનીઓ કાયદાનો આદર કરી એ કર્મચારીઓ સાથે વાત કરે જેપોતાના કામમાં સુધારો કરવા માંગે છે. તેમજ કંપની સત્વરે જ તેમની ભયંકર, અસુરક્ષિત પ્રથાઓ બંધ કરે.
જર્મની અને ફ્રાંસના કામદારોના યુનિયન CGT અને Ver.di મુખ્ય યુરોપિયન બજારોમાં શિપમેન્ટને અડચણ ઉભી કરવાના 18 મોટા વેરહાઉસ પર એક સાથે હડતાલ કરી રહ્યા છે. જર્મનીમાં Ver.diની એમેઝોન કમિટીના વડા મોનિકા ડી સિલ્વેસ્ટ્રેએ જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર દ્વારા કર્મચારીઓના કામ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. જેને લઈને કર્મચારીઓ ચિંતિત છે. જેમાં એલ્ગોરિધમથી ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે કે તેઓ પ્રતિ કલાક કેટલા પેકેજનું સંચાલન કરે છે. જેના કારણે કર્મચારીઓ ભારે દબાણ અનુભવી રહ્યા છે. તેમણે યુરોપના રાજકીય નેતાઓને પણ મજૂર કાયદાને મજબૂત કરવાની માંગ કરી છે.
યુનાઇટેડ કિંગડમમાં પણ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. અહીના યુનિયનનું કહેવું છે કે, એમેઝોનના કર્મચારીઓ વધુ કામ કરી રહ્યા છે અને તેમને તે મુજબ પગાર નથી આપવામાં આવતો. તેવી જ રીતે અમેરિકાના 10 શહેરોમાં પણ દેખાવો થવા જઈ રહ્યા છે. જેમાં ન્યૂયોર્કમાં એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસના ઘરની બહાર પણ પ્રદર્શન યોજાયા છે. કર્મચારીઓ ભારતમાં પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દુનિયાના અનેક દેશોની માફક જાપાનના ટોક્યોમાં પ્રદર્શન થવા જઈ રહ્યું છે, જ્યારે બાંગ્લાદેશમાં ગારમેન્ટ વર્કર્સ એમેઝોનની સપ્લાય ચેઈન સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
જો કે એમેઝોનના પ્રવક્તાનું કહેવું છે કે, અમે કોઈ પણ ક્ષેત્રમાં પરફેક્ટ નથી, પરંતુ નિષ્પક્ષ રૂપે એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે એમેઝોન આ મહત્વપૂર્ણ બાબતે શું કરી રહ્યું છે. અમે અમારી ભૂમિકા અને પ્રભાવને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, કંપનીએ 2040 સુધીમાં નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ સાથે કંપની કર્મચારીઓને સારા પગારની સાથો સાથ ઘણા લાભો પણ આપી રહી છે જેથી અમારા કર્મચારીઓ સુરક્ષિત અને સ્વસ્થ રહે.