બિટકોઈનમાં એક જ દિવસમાં 13 હજાર ડોલરનું ગાબડું, રોકાણકારો એ 600 અબજ ડોલર ગુમાવ્યા
૨૦૦ દિવસના ભાવની મુવિંગ એવરેજની સપાટી નીચે ભાવ ઉતરી જતાં ખેલાડીઓમાં ગભરાટ વધ્યો હતો.
નવી દિલ્હીઃ વૈશ્વક બજારમાં ક્રિપ્ટો કરન્સીમાં મોટો કડાકો જોવા મળ્યો છે. બિટકોઈનમાં 30 ટકા કડાકો બોલીને અંતે 11 12 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બિટકોઈનની પાછળ ઈથેર, ડોજેકોઈ સહિતની ક્રિપ્ટો કરન્સીઓના ભાવમાં પણ કડાકો બોલી ગયો હતો. ટેસ્લાના એલન મસ્કે હાલમાં જ બિટકોઈન નહીં સ્વીકારવાની વાત કહી હતી અને ગઈકાલે ચીન દ્વારા ક્રિપ્ટો કરન્સી પર નિયંત્રણો લાદવાના સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રિપ્ટો કરન્સીના રોકાણકારો ગભરાટમાં વેચવાલી કરવા નીકળતા ભાવમાં 20 25 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.
ગઈકાલે બિટકોઈનનો ભાવ 43870 ડોલર જેટલો ઉછળ્યા બાદ ગબડીને નીચમાં 30200 ડોલર બોલાયો હતો. જે અંતે 35300 ડોલર આસપાસ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન બિટકોઈનમાં મહત્ત્વના સપોર્ટ લેવલ તૂટ્યા હતા. બિટકોઈનમાં ૨૦૦ દિવસના ભાવની મુવિંગ એવરેજની સપાટી નીચે ભાવ ઉતરી જતાં ખેલાડીઓમાં ગભરાટ વધ્યો હતો.
આ પહેલા બિટકોઈનમાં એપ્રિલમાં ભાવ 65 હજાર ડોલર નજીક પહોંચી ગયા હતા અને હવે મેમાં મોટો કડાકો આવતા પાછલા ત્રણ વર્ષનો સૌથી ખાબ મહિનો બિટકોઈન માટે રહ્યો હોવાનું વિશ્વ બજારના જાણકારીનું કહેવું છે.
વૈશ્વિક બજારમાં 7 હજાર જેટલી ક્રિપ્ટો કરન્સીઓ ટ્રેડ થાય છે અને તમામ કરન્સીઓનું કુલ માર્કેટ વેલ્યૂ ટૂંકા ગાળામાં જ 600 અબજ ડોલર જેટલી ઘટીને 1.9 ટ્રીલીયન ડોલરે પહોંચી ગઈ છે. બીજી બાજુ ભાવ ગઈકાલે ૩૪૬૯થી ૩૪૭૦ ડોલર ઉચે જઈને નીચામાં ૨૦૦૦ ડોલરની આસપાક જઈ 2400 ડોલરની આસપાસ બંધ રહ્યા હતા.
ડોજેકોઈનના ભાવ ગઈકાલે ઉંચામાં 48 સેન્ટ જઈને નીચામાં 21 સેન્ટ આસપાસ જઈને છેલ્લે 33 34 સેન્ટની આસપાસ બંધ રહ્યા હતા. બિટકોઈનની માર્કેટ કેપ આ ઘટાડા બાદ ઘટીને 700 અબજ ડોલરની અંદર આવી ગઈ છે. હાલમાં જ તે વધીને 1100 અબજ ડોલરને આંબી ગઈ હતી. ઈથેરમાં ગઈકાલે માર્કેટ કેપ ઘટી ૩૦૦ અબજ ડોલરની અંદર ઉતરી ૨૮૫થી ૨૮૬ અબજ ડોલર થઈ ગઈ હતી. દરમિયાન ડોજેકોઈનમાં આજે ૭થી ૮ અબજ ડોલરનું વોલ્યુમ નોંધાયું હતું. તથા માર્કેૉટ કેપ ઘટી ૫૦ અબજની અંદર ૪૪થી ૪૫ અબજ ડોલર થઈ ગયું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.