(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેરથી શેરબજારને નથી વળી રહી કળ, 1375 પોઈન્ટના ગાબડા સાથે બંધ થયું માર્કેટ
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 1375,27 પોઈન્ટના ઘટાડા સાથે 28440.32 પર બંધ થયો હતો.
મુંબઈઃ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 1375,27 પોઈન્ટના ઘટાડા સાથે 28440.32 પર બંધ થયો હતો. નિફ્ટી 370.90 પોઈન્ટના ઘટાડા સાથે 8289.35ના સ્તર પર બંધ રહી હતી.
ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1050ને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 29 થઈ છે. કોરોનાના કારણે માત્ર ભારત જ નહીં વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
દેશમાં 21 દિવસના લોકડાઉન બાદ અર્થતંત્ર અને આમ આદમીને રાહત આપવા સરકાર અને આરબીઆઈ દ્વારા અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરવાની સાથે લોનના ઈએમઆઈ પેમેન્ટમાં ત્રણ મહિનાની મુદત આપી હતી. તેમ છતાં ઘરેલુ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શુક્રવારે સેન્સેક્સ 131.18 પોઈન્ટના ઘટાડા સાથે 29815.59ના સ્તર પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 8660.25 પર બંધ રહી હતી. આ પહેલા સતત ત્રણ દિવસ બજાર વધારા સાથે બંધ રહ્યું હતું.