Electoral Bonds: આજથી શરૂ થશે ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ, સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખ્યો હતો યોજનાની માન્યતા પરનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્ધારા મેળવેલા નાણાંની વિગતો એકત્ર કરવા અને સીલબંધ કવરમાં ડેટા કોર્ટમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Electoral Bonds News: સુપ્રીમ કોર્ટે ગુરુવારે (2 નવેમ્બર) ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યા પછી શનિવારે (4 નવેમ્બર) સરકારે ઈલેક્ટોરલ બોન્ડ્સનો 29મો હપ્તો બહાર પાડવાની યોજનાને મંજૂરી આપી હતી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્ધારા મેળવેલા નાણાંની વિગતો એકત્ર કરવા અને સીલબંધ કવરમાં ડેટા કોર્ટમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન, સોમવાર (6 નવેમ્બર) થી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ શરૂ થશે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. આ રાજ્યોમાં ચૂંટણી 7-30 નવેમ્બર સુધી ચાલશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે રાજકીય પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. ઈલેક્ટોરલ બોન્ડનું પ્રથમ વેચાણ માર્ચ 2018માં થયું હતું.
ચૂંટણી બોન્ડ ક્યાંથી ખરીદી શકાય?
સમાચાર એજન્સી PTI અનુસાર, નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા 6-20 નવેમ્બરથી ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની અને રિડીમ કરવાની મંજૂરી આપી છે.
ચૂંટણી બોન્ડ માત્ર અધિકૃત બેન્ક સાથેના તેના બેન્ક એકાઉન્ટ દ્વારા પાત્ર રાજકીય પક્ષ વતી રોકડ કરવામાં આવે છે. ચૂંટણી બોન્ડ્સ જાહેર કરવા માટે SBI એકમાત્ર અધિકૃત બેન્ક છે. અધિકૃત SBI શાખાઓમાં બેંગલુરુ, લખનઉ, શિમલા, દેહરાદૂન, કોલકાતા, ગુવાહાટી, ચેન્નઈ, પટના, નવી દિલ્હી, ચંદીગઢ, શ્રીનગર, ગાંધીનગર, ભોપાલ, રાયપુર અને મુંબઈનો સમાવેશ થાય છે.
ચૂંટણી બોન્ડ 15 દિવસો માટે માન્ય રહેશે
નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ તેમના ઈશ્યુની તારીખથી 15 કેલેન્ડર દિવસો માટે માન્ય રહેશે અને જો બોન્ડ માન્યતા અવધિની સમાપ્તિ પછી જમા કરવામાં આવે તો કોઈપણ પ્રાપ્તકર્તા રાજકીય પક્ષને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે લાયક રાજકીય પક્ષ દ્વારા જમા કરાયેલ ચૂંટણી બોન્ડ તે જ દિવસે ક્રેડિટ થઇ જશે
ચૂંટણી બોન્ડ કોણ ખરીદી શકે છે અને કયા પક્ષોને દાન આપી શકાય છે?
ચૂંટણી બોન્ડ ભારતીય નાગરિકો અથવા દેશમાં સમાવિષ્ટ અથવા સ્થાપિત સંસ્થાઓ દ્વારા ખરીદી શકાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોંધાયેલ રાજકીય પક્ષો જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 1 ટકા મત મેળવ્યા છે તેઓ ચૂંટણી બોન્ડ દ્વારા ભંડોળ મેળવવા માટે પાત્ર છે.