પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ પણ કેન્દ્ર સરકાર હજુ કુલ કિંમત પર કેટલો ટેક્સ વસૂલે છે ? જાણો વિગતે
આર્થિક વિશ્લેષકો કહે છે કે પેટ્રોલ અને ડીઝલના વિક્રમી ભાવથી અર્થવ્યવસ્થાને અસર થવી સ્વાભાવિક છે.
નવી દિલ્હી: દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુરુવારે દિવાળીના દિવસથી આ દરો લાગુ થશે. 3જી નવેમ્બરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ.110.04/લિટર હતી. આમાં, એક્સાઇઝ ડ્યુટીનો હિસ્સો 32.90 પ્રતિ લિટર અને વેટનો હિસ્સો 25.31 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ હતો. હવે મધરાતથી એક્સાઈઝ ડ્યુટી 5 રૂપિયા ઘટીને 27.90 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. એટલે કે દિલ્હીમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈને 105.04 પ્રતિ લીટર થશે. 3 નવેમ્બરે દિલ્હીમાં ડીઝલની કિંમત 98.42 રૂપિયા પ્રતિ લીટર હતી. આમાં આબકારી જકાતનો હિસ્સો 31.80 પ્રતિ લીટર હતો અને વેટ લગભગ 14.37 પ્રતિ લીટર હતો. હવે મધરાતથી એક્સાઈઝ ડ્યુટી રૂ. 10 ઘટીને રૂ. 21.80 પ્રતિ લીટર થશે. એટલે કે દિલ્હીમાં ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઇને 88.42 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં જ પેટ્રોલની કિંમત 110 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ પણ 99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના કારણે ખાવા-પીવાની તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. સરકારે દિવાળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં આ ઘટાડો કર્યો છે. ખેડૂતો માટે પણ આને મોટી રાહત માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ આગામી રવિ પાક માટે ઓછા ભાવે ડીઝલ મેળવી શકશે.
આર્થિક વિશ્લેષકો કહે છે કે પેટ્રોલ અને ડીઝલના વિક્રમી ભાવથી અર્થવ્યવસ્થાને અસર થવી સ્વાભાવિક છે. તહેવારો પહેલા ખાદ્યપદાર્થો અને શાકભાજી ખૂબ મોંઘા થઈ ગયા છે. જ્યારે ખાતરની કટોકટીનો સામનો કરી રહેલા ખેડૂતો માટે ડીઝલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચતા તે ભારે મુશ્કેલીનું કારણ હતું. તાજેતરની વિધાનસભા પેટાચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપના ખરાબ પ્રદર્શનને પણ મોંઘવારી સાથે જોડવામાં આવી રહ્યું છે.
જો કે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તે મુજબ વધારો કરી રહી છે. ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ દરરોજ વધારો થયો છે. જો આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલ લગભગ 25 રૂપિયા અને ડીઝલ 20 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગર અને અન્ય કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ 121 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે.