Flipkart IPO: સૌથી મોટી ઈ-કોમર્સ કંપની Flipkartનો IPO 2022ના અંતમાં આવી શકે છે, જાણો ક્યાં થશે લિસ્ટિંગ
એવું માનવામાં આવે છે કે IPO લાવતા પહેલા ફ્લિપકાર્ટ તેના ગ્રોસરી બિઝનેસનું વિસ્તરણ કરશે.
Flipkart IPO: વોલમાર્ટની માલિકીની દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આવતા વર્ષે તેનો IPO (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) લૉન્ચ કરી શકે છે. પરંતુ ભારતમાં IPOમાં રોકાણ કરનારાઓને એ જાણીને આંચકો લાગશે કે ફ્લિપકાર્ટના IPOનું લિસ્ટિંગ ભારતમાં નહીં, પરંતુ વિદેશી સ્ટોક એક્સચેન્જમાં થશે. એટલે કે આ IPO વિદેશમાં લોન્ચ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દાવો ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને ટાંકીને કરવામાં આવ્યો છે. 2022 ના અંત સુધીમાં અથવા 2023 માં IPO લાવવાની યોજના છે. એવું માનવામાં આવે છે કે IPO લાવતા પહેલા ફ્લિપકાર્ટ તેના ગ્રોસરી બિઝનેસનું વિસ્તરણ કરશે. આને ધ્યાનમાં રાખીને ફ્લિપકાર્ટે ફ્રેશ પ્રોડક્ટ્સ સપ્લાય કરતી કંપની નિન્જાકાર્ટમાં તેનો હિસ્સો વધાર્યો છે.
ફ્લિપકાર્ટ વિદેશી લિસ્ટિંગ માટે આયોજન કરી રહ્યું છે. તે IPO આવે તે પહેલા સ્ટોકનું યોગ્ય મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં પ્રી-IPO રાઉન્ડ યોજી શકે છે. તમને જણાવી દઈએ કે, વોલમાર્ટે 2018માં ફ્લિપકાર્ટમાં 77% હિસ્સો ખરીદ્યો હતો, ત્યારબાદ તેના સ્થાપકો સચિન બંસલ અને બિન્ની બંસલ તેનાથી અલગ થઈ ગયા હતા. વોલમાર્ટ હાલમાં ફ્લિપકાર્ટમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.
ફ્લિપકાર્ટે આ વર્ષે જુલાઈમાં $37.6 બિલિયનના મૂલ્યાંકન સાથે $3.6 બિલિયન એકત્ર કર્યા હતા. આ ફંડિંગ રાઉન્ડમાં સૌથી વધુ રોકાણ સિંગાપોરના GIC, કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, સોફ્ટબેંક વિઝન ફંડ 2 અને વોલમાર્ટનું હતું. ટાઈગર ગ્લોબલ અને કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સહિતના અન્ય અગ્રણી રોકાણકારોએ પણ રોકાણમાં ભાગ લીધો હતો.
નોંધનીય છે કે, જેમ જેમ ઇ-કિરાના પ્લેટફોર્મ ભારતમાં વેગ પકડી રહ્યું છે તેમ, ફ્લિપકાર્ટની સોશિયલ કોમર્સ ઓફરિંગ શોપસી (Shopsy)એ મંગળવારે જાહેરાત કરી કે તેણે તેના પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્ટોર્સની શ્રેણી શરૂ કરી છે. કરિયાણાના સ્વરૂપમાં શરૂઆત થઈ છે. ફ્લિપકાર્ટ ગ્રૂપની સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકી ક્ષમતાઓનો ઉપયોગ કરીને, શોપી પર ગ્રોસરી 5,800 પિનકોડમાં ફેલાયેલા 700 શહેરોમાં ગ્રાહકોને પૂરી કરશે.