Online Gaming પર સરકારની મોટી સ્ટ્રાઈક, IPL શરુ થાય તે પહેલા 357 વેબસાઈટને કરી બ્લોક
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની શરૂઆતના થોડા કલાકો પહેલા સરકારે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર મોટી સ્ટ્રાઈક કરી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની શરૂઆતના થોડા કલાકો પહેલા સરકારે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર મોટી સ્ટ્રાઈક કરી છે. નાણા મંત્રાલય હેઠળ કામ કરતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ દ્વારા વિદેશી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. DGGI એ લગભગ 357 ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ બ્લોક કરી છે. આ સાથે લગભગ 2400 ખાતા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
વિદેશી ઓનલાઈન ગેમિંગ વેબસાઈટ સામે પગલાં લેવાની સાથે નાણા મંત્રાલયે લોકોને વિદેશી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મથી દૂર રહેવા ચેતવણી આપી છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો ક્રિકેટ પ્લેયર્સ અથવા તો બોલિવૂડ સેલિબ્રિટી પણ આ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે તો પણ તેની ચુંગાલમાં ન ફસાઓ.
700 કંપનીઓ તપાસ હેઠળ છે
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લગભગ 700 વિદેશી ઈ-ગેમિંગ કંપનીઓ હાલમાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI)ની તપાસ હેઠળ છે. આ એવી કંપનીઓ છે જેમણે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અને GST ટાળી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ લોન આપવા માટે નકલી બેંક એકાઉન્ટનો સહારો લઈ રહી છે. DGGI દ્વારા બે અલગ-અલગ કેસમાં લગભગ 2400 ખાતા જપ્ત કરવામાં આવ્યા છે.
126 કરોડ ઉપાડવા પર પ્રતિબંધ
DGGI, ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર તેની પકડને કડક બનાવતા તાત્કાલિક અસરથી 126 કરોડ રૂપિયા ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા I4C અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને સાવધાન કરવાની સાથે નાણા મંત્રાલયે પ્રખ્યાત હસ્તીઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને પણ આવા પ્લેટફોર્મ દ્વારા ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મનો પ્રચાર ન કરવા જણાવ્યું છે. આ કેસ સાથે જોડાયેલા ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
GST કાયદા હેઠળ 'ઓનલાઈન મની ગેમિંગ'ને માલના સપ્લાય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેના પર 28% ટેક્સ લાગે છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ માટે GST હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે.
GST ચોરીના કિસ્સામાં, ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) એ વિદેશી ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આમાં સ્થાનિક અને વિદેશી બંને ઓપરેટરોનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
