ગુજરાતમાં ગુટકા, તમાકુ અને પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો
Tobacco pan masala ban Gujarat: આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
Gutka ban in Gujarat: રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન ૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે.
આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.
નોંધનીય છે કે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અનુસાર, વિશ્વભરમાં દર 4 સેકન્ડમાં 1 તમાકુ વપરાશકર્તા પોતાનો જીવ ગુમાવી રહ્યો છે. 1965માં પહેલી ઈલેક્ટ્રોનિક સિગારેટ (e-cigarettes) બની હતી. તેનું પેટન્ટ 2003માં કરાવવામાં આવ્યું. જોકે, ઈ-સિગારેટ્સ પહેલીવાર 2007માં ઉત્તર અમેરિકાના બજારમાં ઉતારવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી તે વિશ્વભરમાં 400થી વધુ અલગ-અલગ બ્રાન્ડના નામે વેચાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અનુસાર, વિશ્વભરમાં ઈ-સિગારેટ પીવાનો દર મોટાઓની સરખામણીમાં બાળકોમાં ઘણો વધારે છે.