GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!
જો કે GST કાઉન્સિલની બેઠકના પરિણામો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયા નથી,
GST Council: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક ચંદીગઢમાં ચાલી રહી છે અને તેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઘણી વસ્તુઓ જે GSTની બહાર હતી તેના પર ટેક્સ લગાવવામાં આવ્યો છે અને કેટલીક સેવાઓ એવી છે કે જેના પર GST દરમાં વધારો કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલની 47મી બેઠક બે દિવસીય બેઠક છે, જે ગઈ કાલે 28 જૂને યોજાઈ હતી અને આજે 29 જૂને પૂરી થશે.
જો કે GST કાઉન્સિલની બેઠકના પરિણામો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયા નથી, પરંતુ અધિકારીઓ અને સૂત્રો સાથેની વાતચીતના આધારે કેટલીક વસ્તુઓ અને સેવાઓના નામ સામે આવ્યા છે જેના પર GSTમાં કાં તો વધારો કરવામાં આવ્યો છે અથવા તો જેને જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા છે. અંગ્રેજી બિઝનેસ પોર્ટલ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટમાં તેમના નામ આપવામાં આવ્યા છે, જે અહીં જાણી શકાય છે.
- પેકેજ્ડ દહીં, પનીર, મધ, પાપડ, લસ્સી, છાશ અને અન્ય ઘણા અનાજને GSTના દાયરામાં લાવવામાં આવ્યા છે.
- 1000 રૂપિયા પ્રતિ રાત્રિથી ઓછી કિંમતની હોટેલ રૂમ પર 12 ટકા GST વસૂલવાની વાત કરવામાં આવી છે.
- દરરોજ 5000 રૂપિયાથી વધુની હોસ્પિટલના રૂમ પર GST વસૂલવાનું કહેવામાં આવ્યું છે.
- ચેક ઈશ્યુ કરવા માટે બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર પણ 18 ટકા GST લાગશે.
- સોલાર વોટર હીટ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાની વાત થઈ રહી છે.
જો કે આ ફેરફારો કઈ તારીખથી લાગુ કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં આ વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ લગાવવા પર સહમતિ બની છે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અન્ય અધિકારીઓ સાથે આ નિર્ણયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.