1 એપ્રિલથી બદલાશે ઈન્કમ ટેક્સના આ 10 મોટા નિયમો, દરેક કરદાતાઓ માટે જાણવું જરૂરી છે
નવા ટેક્સ સ્લેબ, કલમ ૮૭A હેઠળ વધુ છૂટ અને TDS-TCSના નિયમોમાં થશે ફેરફાર.

Income tax rule changes 2025: આવતીકાલ એટલે કે ૧લી એપ્રિલ ૨૦૨૫થી આવકવેરાના નિયમોમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે પણ દર વર્ષે ટેક્સ ભરો છો, તો આ નવા નિયમો વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. આ ફેરફારો તમારી બચત, રોકાણ અને નાણાકીય આયોજન પર સીધી અસર કરશે. આ નવા નિયમોની જાહેરાત કેન્દ્રીય બજેટ ૨૦૨૫માં કરવામાં આવી હતી, જેનો હેતુ સામાન્ય માણસ માટે આવકવેરાના નિયમોને સરળ બનાવવાનો છે. ચાલો જાણીએ ૧લી એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવનારા આ ૧૦ મોટા ફેરફારો વિશે...
૧. નવો આવકવેરા સ્લેબ અને દર: નવી કર વ્યવસ્થા હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવકવેરાના નવા સ્લેબ અને દર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૦ થી ૪ લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે, જ્યારે ૨૪ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગશે. જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
૨. કલમ ૮૭A હેઠળ મુક્તિમાં વધારો: નાણામંત્રીએ કલમ ૮૭A હેઠળની છૂટને ૨૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૬૦,૦૦૦ રૂપિયા કરી દીધી છે. આ છૂટથી ૧૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો નહીં પડે.
૩. TDS નિયમોમાં ફેરફાર: ૧લી એપ્રિલથી ઘણા વિભાગોમાં TDSની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે નાના કરદાતાઓને રાહત આપશે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક પર TDSની મર્યાદા વધીને ૧ લાખ રૂપિયા થશે.
૪. TCS નિયમોમાં ફેરફાર: વિદેશ યાત્રા અને રોકાણ જેવા વ્યવહારો પર TCSના નિયમોમાં ફેરફાર થશે. હવે ૧૦ લાખ રૂપિયાથી વધુની રકમ વિદેશ મોકલવા પર TCS લાગશે, જે અગાઉ ૭ લાખ રૂપિયા હતી.
૫. ટેક્સ રિટર્ન (ITR-U) અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવાઈ: હવે તમે અપડેટેડ ITR ૪ વર્ષ સુધીમાં ફાઇલ કરી શકશો, જે પહેલાં ૧૨ મહિના હતી.
૬. IFSC હેઠળ કર મુક્તિ માટેની અંતિમ તારીખ લંબાવાઈ: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) હેઠળ કર મુક્તિની તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ થી વધારીને ૩૧ માર્ચ ૨૦૩૦ કરવામાં આવી છે.
૭. સ્ટાર્ટઅપ માટે કર મુક્તિ: ૧લી એપ્રિલ ૨૦૩૦ સુધી નોંધાયેલા સ્ટાર્ટઅપ્સને કલમ ૮૦-IAC હેઠળ ત્રણ વર્ષ માટે ૧૦૦% કર મુક્તિ મળશે.
૮. કલમ ૨૦૬AB અને ૨૦૬CCA દૂર કરી: પાલનને સરળ બનાવવા માટે આ બે કલમોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.
૯. પાર્ટનરને આપવામાં આવેલ પગારની નવી મર્યાદા: ભાગીદારી કંપનીઓમાં ભાગીદારને ચૂકવવામાં આવતા પગાર પર મહત્તમ કપાતની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને તેના પર TDS પણ લાગશે.
૧૦. યુલિપ પર કેપિટલ ગેઈન તરીકે ટેક્સ લાગશે: જો કોઈ યુલિપ પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ ૨.૫ લાખ રૂપિયાથી વધુ હોય અથવા વીમાની રકમના ૧૦% હોય, તો તેના પર મૂડી લાભ તરીકે ટેક્સ લાગશે.
આ નવા નિયમો ૧લી એપ્રિલ ૨૦૨૫થી લાગુ થશે, જે તમારી બચત અને રોકાણની યોજનાઓને અસર કરી શકે છે. તેથી, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આયોજન કરતી વખતે આ ફેરફારોને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે.




















