હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર સ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે રેલ્વેનું મોટું પગલું, માત્ર કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ પ્રવેશ મળશે.

Indian Railways Holi rules: હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે રેલ્વેએ એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. નવા નિયમો અનુસાર, ટિકિટ વગરના અને વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને હવે હોળી સુધી ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રેલ્વે મંત્રાલયે જણાવ્યું છે કે, જે મુસાફરો પાસે કન્ફર્મ ટિકિટ હશે, તેઓને જ રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ મળશે. વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો ટ્રેનના એસી અને સ્લીપર કોચમાં પણ પ્રવાસ કરી શકશે નહીં. આ નિયમ હોળીના તહેવાર સુધી અમલમાં રહેશે.
શુક્રવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રેલ્વે સ્ટેશનો પર ભીડ નિયંત્રણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા, જે નીચે મુજબ છે:
રેલ્વે દેશના 60 સ્ટેશનો પર કાયમી આઉટડોર વેઇટિંગ એરિયા બનાવશે. અગાઉ તહેવારો દરમિયાન બનાવેલા કામચલાઉ વેઇટિંગ એરિયા સફળ રહ્યા હતા અને ભીડને નિયંત્રિત કરવામાં મદદરૂપ થયા હતા. આથી, રેલ્વેએ હવે કાયમી ધોરણે વેઇટિંગ એરિયા બનાવવાનો નિર્ણય લીધો છે, જેમાં નવી દિલ્હી, આનંદ વિહાર, વારાણસી, અયોધ્યા અને પટના જેવા સ્ટેશનો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ પણ થઈ ગયા છે. ટ્રેન આવે ત્યારે જ મુસાફરોને પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે.
આ 60 સ્ટેશનો પર સંપૂર્ણ પ્રવેશ નિયંત્રણ લાગુ કરવામાં આવશે. માત્ર કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ પ્લેટફોર્મ પર જવાની સીધી મંજૂરી મળશે. ટિકિટ વગરના અથવા વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોએ સ્ટેશન બહારના વેઇટિંગ એરિયામાં જ રાહ જોવી પડશે. સ્ટેશનના તમામ અનધિકૃત પ્રવેશ માર્ગો સીલ કરી દેવામાં આવશે.
રેલ્વે દ્વારા 12 મીટર અને 6 મીટર પહોળાઈના નવા ફૂટ-ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ વિશાળ FOB ભીડ વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે.
સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં દેખરેખ રાખવા માટે મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ભીડ નિયંત્રણ માટે મોટા સ્ટેશનો પર વોર રૂમ પણ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં તમામ વિભાગના અધિકારીઓ સંકલન કરીને કામ કરશે.
ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેશનો પર વૉકી-ટોકી, એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને કૉલિંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સ્ટેશન પર કામ કરતા સ્ટાફ અને સેવા કર્મચારીઓને નવી ડિઝાઇનના આઈડી કાર્ડ આપવામાં આવશે અને નવા ગણવેશ પણ પૂરા પાડવામાં આવશે, જેથી તેઓને ભીડમાં સરળતાથી ઓળખી શકાય.
દરેક મોટા સ્ટેશન પર એક વરિષ્ઠ અધિકારીને સ્ટેશન ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે, જે સ્ટેશનની કામગીરી અને ભીડ નિયંત્રણ માટે જવાબદાર રહેશે. સ્ટેશન ડાયરેક્ટરને ટિકિટ વેચાણ નિયંત્રિત કરવાની પણ સત્તા આપવામાં આવશે.
આ પણ વાંચો....
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!




















