હવે મોબાઈલ બિલ પર મોંઘવારીનો માર ! આ કંપનીના પ્રીપેડ પ્લાન 25 ટકા સુધી મોંઘા થયા, જાણો પ્લાનના નવા રેટ
કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્લાન 2498 રૂપિયાનો હતો જે હવે 2999 રૂપિયા થઈ ગયો છે.
નવી દિલ્હી: ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલે પ્રીપેડ પ્લાનના ટેરિફ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ દર 26 નવેમ્બરથી લાગુ થશે. એરટેલ બાદ હવે અન્ય ટેલિકોમ કંપનીઓ પણ ટેરિફ વધારી શકે છે.
કંપનીએ કહ્યું કે તેનો 79 રૂપિયાનો બેઝ પ્લાન હવે 99 રૂપિયાનો થઈ ગયો છે. તેને 50 ટકા વધુ ટોક ટાઈમ મળશે. તેવી જ રીતે, 149 રૂપિયાનો પ્લાન હવે 179 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેમાં 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ, દરરોજ 100 SMS અને કુલ 2 GB ડેટા મળશે. તેવી જ રીતે 219 રૂપિયાનો પ્લાન હવે 265 રૂપિયાનો થઈ ગયો છે. આમાં 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100 SMS અને 1 GB ડેટા મળશે.
એરટેલ વિરૂદ્ધ જીઓ
જ્યારે એરટેલ બેઝ પ્લાન 20 રૂપિયા મોંઘો થયો છે, ત્યારે સૌથી મોંઘા પ્લાનમાં 501 રૂપિયાનો વધારો થયો છે. કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્લાન 2498 રૂપિયાનો હતો જે હવે 2999 રૂપિયા થઈ ગયો છે. આમાં, અમર્યાદિત કૉલિંગ, દરરોજ 100 SMS અને 2 GB ડેટા એક વર્ષ માટે ઉપલબ્ધ છે.
આ વધારા બાદ એરટેલના પેઇડ પ્લાન રિલાયન્સ જિયો કરતા 30 થી 50 ટકા મોંઘા થઈ ગયા છે. Jioના 2GB અને 28 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 129 રૂપિયા છે, જ્યારે Airtelના પ્લાનની કિંમત 179 રૂપિયા છે. એ જ રીતે, Jioનો 84-દિવસની વેલિડિટી પ્લાન 1.5 GB પ્રતિ દિવસ સાથે 555 રૂપિયા છે, જ્યારે Airtel ગ્રાહકોએ આ માટે 719 રૂપિયા ચૂકવવા પડશે.
ટેરિફ વધુ વધી શકે છે
એરટેલે એક નિવેદનમાં કહ્યું કે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) 200 રૂપિયા હોવી જોઈએ અને પછી તેને વધારીને 300 રૂપિયા કરવી જોઈએ. જેથી કંપનીઓ રોકાણ કરેલી મૂડી પર વ્યાજબી વળતર મેળવી શકે. કંપનીની દલીલ છે કે તંદુરસ્ત બિઝનેસ મોડલ માટે આ જરૂરી છે. કંપનીએ એમ પણ કહ્યું કે આ સ્તરે ARPU આવવાથી નેટવર્ક અને સ્પેક્ટ્રમ માટે જરૂરી રોકાણ ઉપલબ્ધ થશે. આ સાથે, કંપની દેશમાં 5G સેવા શરૂ કરવા માટે સંસાધનો મેળવી શકશે. તેથી કંપનીએ નવેમ્બરમાં ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે.
એરટેલ બાદ અન્ય કંપનીઓ પણ ટેરિફ રેટમાં ફેરફાર કરી શકે છે. ખાસ કરીને વોડાફોન આઈડિયા, જે ભારે દેવા સાથે સંઘર્ષ કરી રહી છે, તેના પ્રીપેડ દરો મોંઘા કરી શકે છે. જો કે, કંપનીઓ તેમના ટેરિફમાં વધારો કરી રહી છે, ત્યારે ફરી એકવાર સેવાઓની ગુણવત્તા તરફ ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.