LIC Loss : પાડાના વાંકે પખાલીને ડામ, અદાણીના ચક્કરમાં LICને 50 દિવસમાં 50 હજાર કરોડનું નુકશાન
શેરબજારની અન્ય કંપનીઓની જેમ એલઆઈસીએ પણ અદાણી ગ્રુપના શેરમાં રોકાણ કર્યું છે. આ કારણે LICને ઘણું નુકસાન થયું છે કારણ કે અદાણી ગ્રુપના શેર છેલ્લા મહિનાથી ભારે વેચવાલીનો શિકાર બની રહ્યા છે.
LIC Loss From Adani : દેશની સૌથી મોટી વિમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક સરકારી વીમા કંપની કે જે શેરબજારમાં મોટા રોકાણકારોમાંની એક ગણાય છે. LIC ભારતીય બજારમાં સૌથી મોટી સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર છે. કંપની શેરબજારમાંથી પણ જંગી નફો કમાઈ રહી છે અને તેના શેરધારકો અને પોલિસીધારકો માટે મૂલ્ય ઉભા કરી રહી છે. જોકે છેલ્લા કેટલાક દિવસો શેરબજારમાં LIC માટે માઠા સાબિત થઈ રહ્યાં છે.
થયું મોટું નુકસાન
શેરબજારની અન્ય કંપનીઓની જેમ એલઆઈસીએ પણ અદાણી ગ્રુપના શેરમાં રોકાણ કર્યું છે. આ કારણે LICને ઘણું નુકસાન થયું છે કારણ કે અદાણી ગ્રુપના શેર છેલ્લા મહિનાથી ભારે વેચવાલીનો શિકાર બની રહ્યા છે. જ્યારથી અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે અદાણી ગ્રૂપ અંગે વિવાદાસ્પદ અહેવાલ જારી કર્યો છે ત્યારથી જ ગ્રૂપના તમામ શેર લગભગ રોજેરોજ ઘટી રહ્યા છે. આ કારણે LICને છેલ્લા 50 દિવસમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અદાણીના આ શેર્સમાં રોકાણ
શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, LICએ અદાણી ગ્રુપની સાત કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અંબુજા સિમેન્ટ્સ અને ACCમાં રોકાણ કર્યું છે.
આ રીતે વેલ્યુમાં થયો ઘટાડો
31 ડિસેમ્બર 2022ના રોજ અદાણી ગ્રુપના આ સાત શેરોમાં LICના રોકાણનું મૂલ્ય રૂ. 82,970 કરોડ હતું. આ મૂલ્ય 23 ફેબ્રુઆરી 2023 ના રોજ ઘટીને 33,242 કરોડ રૂપિયા થઈ ગયું. આમ છેલ્લા લગભગ 50 દિવસમાં LICના અદાણીના શેરમાં રોકાણનું મૂલ્ય રૂ. 49,728 કરોડ ઘટ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ સામે આવેલા અહેવાલમાં જૂથ પર એકાઉન્ટિંગમાં છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે, અદાણી જૂથે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
અદાણીના શેરમાં બોલ્યો જબ્બર કડાકો
જોકે, અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં અદાણી ટોટલ ગેસના શેરમાં સૌથી વધુ 80 ટકાનો ઘટાડો થયો છે. તે ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી લગભગ 74 ટકા, અદાણી ટ્રાન્સમિશન 71 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 64 ટકા, અદાણી પાવર 48 ટકા અને એનડીટીવીમાં લગભગ 42 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને એસીસીના શેર 28 ટકાથી 40 ટકા ઘટ્યા હતા. એકંદરે અદાણી ગ્રુપના એમકેપમાં આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 12 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.