Paytm Layoffs: પેટીએમમાં ફરી એકવાર છટણી, 10 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Paytm Layoffs: Paytm એ ફરી એકવાર તેના કર્મચારીઓને કંપનીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
Paytm Layoffs: ફિનટેક સ્ટાર્ટઅપ પેટીએમ ફરી એકવાર સમાચારમાં છે. એવા અહેવાલો છે કે Paytm એ ફરી એકવાર તેના કર્મચારીઓને કંપનીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, Paytm એ છટણીમાં તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.
છટણીનો શિકાર બન્યા આટલા કર્મચારીઓ
ETના રિપોર્ટ અનુસાર, Paytmની પેરન્ટ કંપની One97 Communicationsએ આ વખતે 1000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. આ મામલાને લગતા બે સ્ત્રોતોને ટાંકીને ET રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ છટણીઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં થઈ છે અને Paytmના વિવિધ એકમોના કર્મચારીઓ તેનો ભોગ બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Paytm એ તેના ખર્ચને ઘટાડવા અને તેના વિવિધ વ્યવસાયોને ફરીથી ગોઠવવા માટે આ છટણી કરી છે.
ભારતીય સ્ટાર્ટઅપની સૌથી મોટી છટણી
Paytm ની આ છટણીમાં તેના કુલ કર્મચારીઓના લગભગ 10 ટકા પ્રભાવિત થયા છે. કોઈપણ ભારતીય સ્ટાર્ટઅપમાં આને અત્યાર સુધીની સૌથી મોટી છટણી માનવામાં આવે છે. સ્ટાર્ટઅપ કંપનીઓ માટે પણ 2023 સારું વર્ષ સાબિત થયું નથી. આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ્સે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં 28 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે. અગાઉ વર્ષ 2022માં સ્ટાર્ટઅપ કંપનીઓએ 20 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી હતી અને 2021માં 4 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. જો આપણે ફિનટેક સેક્ટર પર નજર કરીએ તો Zestmoney આ મહિનાના અંત સુધીમાં બંધ થઈ જશે.
આરબીઆઈની કાર્યવાહીની અસર
અગાઉ રિઝર્વ બેન્કે અસુરક્ષિત લોન પર નિયમનકારી નિયંત્રણો લાદ્યા હતા જેની અસર પેટીએમ પર પણ પડી હતી. આરબીઆઈની કાર્યવાહી બાદ Paytm એ સ્મોલ ટિકિટ કન્ઝ્યુમર લેન્ડિંગ અને બાય નાઉ, પે લેટર બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરની છટણીથી આ બે સેગમેન્ટના કર્મચારીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
કંપની શેરબજારમાં પણ સતત સંઘર્ષ કરી રહી છે. છેલ્લા એક મહિનામાં Paytmના શેરમાં લગભગ 28 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 6 મહિનામાં તેની કિંમત 23 ટકાથી વધુ ઘટી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પેટીએમના શેરમાં પણ 20 ટકાના લોઅર સર્કિટનો સામનો કરવો પડ્યો હતો. હવે છટણીના સમાચાર બહાર આવ્યા બાદ શેર પર વધુ વિપરીત અસર થવાની સંભાવના છે.