મોદી સરકાર આવતા મહિને લોન્ચ કરશે નવી યોજના, આવા લોકોને મળશે સીધો ફાયદો
આ યોજના 17 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવશે, તે ત્રણ મંત્રાલયો - MSME, કૌશલ્ય વિકાસ અને નાણાં દ્વારા લાગુ કરવામાં આવશે.
PM Vishwakarma Yojana: પરંપરાગત કારીગરો અને શિલ્પકારો ફાયદો પહોંચાડવા માટે, સરકાર નવી યોજના શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે 'PM વિશ્વકર્મા યોજના' યોજનાને લાગુ કરવા માટે રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ, જાહેર ક્ષેત્રની બેંકો અને રાજ્ય સ્તરીય બેંકર્સ કમિટી (SLBC)ની બેઠક બોલાવી છે. 'PM વિશ્વકર્મા' યોજના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને લાભ આપવાના ઉદ્દેશથી આવતા મહિને લોન્ચ થવાની ધારણા છે.
પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને મદદ કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કુલ 13,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ યોજના 17 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવશે, તે ત્રણ મંત્રાલયો દ્વારા લાગુ કરવામાં આવશે - MSME, કૌશલ્ય વિકાસ અને નાણાં મંત્રાલય. એક અધિકારીએ જણાવ્યું કે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ લાખથી વધુ લાભાર્થીઓને જોડવાનું લક્ષ્ય છે.
અધિકારીએ કહ્યું કે કૌશલ્ય મંત્રાલયે 28 ઓગસ્ટે એક બેઠક બોલાવી છે. જેમાં રાજ્યોના મુખ્ય સચિવો, બેંકોના એમડી અને SLBC પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "બેઠકમાં પીએમ વિશ્વકર્મા યોજનાના અમલીકરણના મુસદ્દા અને યોજનાના લાભાર્થીઓને ઓળખવાની પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવશે." યોજના હેઠળ, કુશળ કામદારોને તેમની કુશળતા વધારવા માટે 4-5 દિવસની તાલીમ આપવામાં આવશે.
તાલીમ બાદ તેઓ લોન લેવા માટે પાત્ર બનશે. અધિકારીએ કહ્યું, “ચાલુ નાણાકીય વર્ષમાં અમે ત્રણ લાખ લાભાર્થીઓને લોન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ યોજના સંબંધિત જાહેરાત પીએમ મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તેમના ભાષણ દરમિયાન કરી હતી. તે સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે સરકાર 13,000 કરોડથી 15,000 કરોડના ખર્ચે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઈ રહી છે.
આ યોજનાને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ કહ્યું હતું કે આ યોજના હેઠળ કારીગરોને પ્રથમ હપ્તામાં 1 લાખ રૂપિયા અને બીજા હપ્તામાં 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોનનો વ્યાજ દર પણ ખૂબ ઓછો 5 ટકા હશે.