પોસ્ટ ઓફિસની આ સુપરહિટ યોજના, માત્ર વ્યાજમાંથી જ મળશે ₹49 લાખ, મેચ્યોરિટી પર કુલ ₹72 લાખનો ફાયદો
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં 'સુકન્યા સમૃદ્ધિ યોજના' સૌથી વધુ લોકપ્રિય અને આકર્ષક છે.

Sukanya Samriddhi Yojana interest rate 2025: જો તમે તમારી દીકરીના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે સુરક્ષિત અને નફાકારક રોકાણ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સરકારી યોજનામાં રોકાણનું જોખમ નહિવત છે, જ્યારે વળતર શેરબજારને ટક્કર આપે તેવું છે. હાલમાં સરકાર આ સ્કીમ પર 8.2% નું વાર્ષિક વ્યાજ આપી રહી છે. જો તમે આયોજનબદ્ધ રીતે રોકાણ કરો છો, તો તમે માત્ર વ્યાજ પેટે જ ₹49 લાખ કમાઈ શકો છો અને પાકતી મુદતે (Maturity) તમારા હાથમાં કુલ ₹72 લાખ જેવી માતબર રકમ આવી શકે છે.
સૌથી વધુ વ્યાજ આપતી સરકારી યોજના
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં 'સુકન્યા સમૃદ્ધિ યોજના' સૌથી વધુ લોકપ્રિય અને આકર્ષક છે. તાજેતરના આંકડા મુજબ, ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે આ યોજના પર 8.2% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે, જે અન્ય યોજનાઓ કરતા ઘણો વધારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ઉલ્લેખ કર્યો હતો કે દેશમાં SSY ખાતાઓની સંખ્યા 4 કરોડને પાર કરી ગઈ છે અને તેમાં ₹3.25 લાખ કરોડ થી વધુની રકમ જમા થઈ ચૂકી છે, જે લોકોનો આ યોજના પરનો વિશ્વાસ દર્શાવે છે.
રોકાણની મર્યાદા અને નિયમો
આ યોજનાની ખાસિયત એ છે કે તે દરેક વર્ગના લોકોને પોસાય તેવી છે.
કોના માટે: આ ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે (10 વર્ષથી ઓછી ઉંમર).
રોકાણ: તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹250 થી ખાતું ખોલાવી શકો છો અને વધુમાં વધુ ₹1.50 લાખ જમા કરી શકો છો.
સગવડ: તમે ઈચ્છો તો આ રકમ એકસાથે અથવા માસિક હપ્તા (જેમ કે દર મહિને ₹12,500) સ્વરૂપે પણ જમા કરાવી શકો છો.
સમયગાળો: પૈસા 15 વર્ષ સુધી જમા કરાવવાના હોય છે, પરંતુ ખાતું 21 વર્ષે પરિપક્વ થાય છે.
₹72 લાખ મેળવવાનું ગણિત
જો કોઈ વાલી પોતાની દીકરીના જન્મ સમયે જ આ ખાતું ખોલાવે અને આર્થિક શિસ્ત જાળવી રાખે, તો રિટર્નનું ગણિત કંઈક આવું હોઈ શકે છે:
વાર્ષિક રોકાણ: ₹1,50,000
રોકાણનો સમયગાળો: 15 વર્ષ
તમારું કુલ રોકાણ: ₹22,50,000
વ્યાજ દર: 8.2% (અંદાજિત)
વ્યાજની આવક: ₹49,32,119
મેચ્યોરિટી પર કુલ રકમ: ₹71,82,119
આમ, તમે જમા કરેલી રકમ કરતા બમણાથી પણ વધુ રકમ માત્ર વ્યાજ સ્વરૂપે મેળવી શકો છો.
ટેક્સમાં પણ મળે છે મોટી રાહત
આ યોજના માત્ર વળતર જ નથી આપતી, પણ ટેક્સ પણ બચાવે છે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80C હેઠળ, વાર્ષિક ₹1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે (જૂની ટેક્સ વ્યવસ્થા મુજબ). સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનામાંથી મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પણ સંપૂર્ણપણે કરમુક્ત (Tax-Free) હોય છે.





















