રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર: ઘરે બેઠા ઈ કેવાયસી કરાવી શકાશે, સરકારે રેશન કાર્ડ KYC માટે પોસ્ટ ઓફિસને કામે લગાડી!
ગુજરાત સરકારના અભિયાનમાં પોસ્ટ ઓફિસો અને ડાક કર્મચારીઓ જોડાશે, ૩૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત, ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક કદમ.

Ration card eKYC at home: ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવા માટે ઈ કેવાયસી (e KYC) પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા ૩૦ જૂન, ૨૦૨૫ સુધીમાં તમામ રેશનકાર્ડ ધારકોએ પૂર્ણ કરવાની રહેશે. અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની આ પહેલમાં હવે ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ, ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને કોઈપણ ચાર્જ વિના ઘરે બેઠા ઈ કેવાયસીની સુવિધા પૂરી પાડી રહ્યું છે.
ટપાલ વિભાગ દ્વારા ઈ કેવાયસી અભિયાન
આ યોજનાનો લાભ ખાસ કરીને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) અંતર્ગત આવતા રેશનકાર્ડ ધારકોને મળશે. રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવેલી ૮,૮૦૦ થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને ઈ કેવાયસીની સુવિધા આપી રહ્યા છે, જેથી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે.
આ ઉપરાંત, ડાક વિભાગ જિલ્લા પુરવઠા અધિકારી સાથે સંકલન કરીને રેશનની દુકાનો અને સમુદાય શિબિરોમાં પણ ઈ કેવાયસી સેવા પૂરી પાડી રહ્યો છે. અત્યાર સુધીમાં, ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે.
આધારમાં મોબાઈલ અપડેટ ન હોય તો શું?
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે. જો કોઈ રેશનકાર્ડ ધારકનો મોબાઈલ નંબર આધારમાં અપડેટ ન થયો હોય, તો ડાક વિભાગ પહેલા આધાર સેવા હેઠળ તેનો મોબાઈલ નંબર અપડેટ કરશે અને ત્યારબાદ તે રેશનકાર્ડ ધારકનો ઈ કેવાયસી કરશે.
જો કોઈ કારણસર હાજર ડાક કર્મીઓ સાથે સંપર્ક ન થાય, તો આ સેવાનો લાભ લેવા માટે, રેશનકાર્ડ ધારક તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.
આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અને સુલભ શાસન તરફ એક મોટું પગલું છે, જેના દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગજનો, બીમાર વ્યક્તિઓ અને મહિલાઓને ટેકનોલોજી દ્વારા સરળ અને ગૌરવપૂર્ણ સેવા મળી રહેશે. આનાથી રેશનકાર્ડની પ્રક્રિયા વધુ સરળ બનશે અને પાત્ર લાભાર્થીઓને સબસિડીયુક્ત અનાજનો લાભ નિયમિતપણે મળતો રહેશે.





















