Bank Merger: ગુજરાતની 4 સહકારી બેંકોનું થયું મર્જર! જાણો તમારા પૈસા સુરક્ષિત છે કે નહીં? RBI એ કરી સ્પષ્ટતા
RBI Gujarat bank merger: કાલુપુર અને ભુજ મર્કેન્ટાઈલમાં ભળી ગઈ બે નાની બેંકો, 15 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ, ખાતાધારકો પર શું થશે અસર? વાંચો વિગત.

RBI Gujarat bank merger: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુજરાતના સહકારી બેંકિંગ માળખાને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 44A હેઠળ આરબીઆઈએ ચાર બેંકોના 'સ્વૈચ્છિક વિલિનીકરણ' (Voluntary Merger) ને આખરી મંજૂરી આપી છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય નાની અને મર્યાદિત વ્યાપ ધરાવતી બેંકોને મોટી અને આર્થિક રીતે સદ્ધર બેંકો સાથે જોડીને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે. આજથી જ આ નવી વ્યવસ્થા રાજ્યમાં લાગુ થઈ ગઈ છે.
આ મર્જર પ્રક્રિયામાં બે અલગ અલગ યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રથમ મહત્વપૂર્ણ મર્જર હેઠળ, 'ધ આમોદ નાગરિક કોઓપરેટિવ બેંક' નું વિલિનીકરણ અમદાવાદ સ્થિત 'ધ ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક' સાથે કરવામાં આવ્યું છે. આ ફેરફાર બાદ, હવેથી આમોદ નાગરિક બેંકની તમામ શાખાઓ ભુજ મર્કેન્ટાઇલ બેંકની શાખાઓ તરીકે જ ઓળખાશે અને કાર્ય કરશે. એટલે કે આમોદ બેંકના ગ્રાહકો હવે ભુજ મર્કેન્ટાઇલના ગ્રાહકો બની ગયા છે.
બીજા મોટા મર્જરમાં 'અમરનાથ કોઓપરેટિવ બેંક' ને રાજ્યની અગ્રણી 'કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક' સાથે જોડી દેવામાં આવી છે. કાલુપુર બેંક ગુજરાતની સૌથી મોટી અને અત્યંત વિશ્વસનીય મલ્ટી-સ્ટેટ શિડ્યુલ્ડ બેંકોમાંની એક છે. આ વિલિનીકરણ બાદ અમરનાથ બેંકની તમામ બ્રાન્ચ હવે કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના નેજા હેઠળ કાર્યરત થશે.
જ્યારે પણ બેંકોનું મર્જર થાય છે, ત્યારે સામાન્ય ખાતાધારકોના મનમાં સૌથી પહેલો ડર એ હોય છે કે "મારા જમા પૈસાનું શું થશે?" આ ચિંતાને દૂર કરતા આરબીઆઈએ ગ્રાહકોને સંપૂર્ણ ખાતરી આપી છે. મધ્યસ્થ બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ વિલિનીકરણથી ગ્રાહકોની થાપણો (Deposits) પર કોઈ નકારાત્મક અસર થશે નહીં. તમારા પૈસા પહેલાની જેમ જ સુરક્ષિત છે અને તમને મળવાપાત્ર વ્યાજ અને અન્ય લાભો ચાલુ રહેશે.
આરબીઆઈના સત્તાવાર નિવેદન મુજબ, બેંકિંગ સેવાઓમાં કોઈ વિક્ષેપ આવશે નહીં. ઉલટાનું, નાની બેંકોના ગ્રાહકોને હવે કાલુપુર અને ભુજ મર્કેન્ટાઈલ જેવી મોટી બેંકોની આધુનિક ડિજિટલ સુવિધાઓ, નેટ બેંકિંગ અને વિશાળ નેટવર્કનો લાભ મળશે. આ મર્જર ગ્રાહકોના લાંબા ગાળાના હિતમાં છે કારણ કે હવે તેઓ વધુ મજબૂત મૂડી આધાર ધરાવતી બેંકો સાથે જોડાશે.





















